શૅરબજારમાં નવી તેજી માટે 15,000 ઉપરનો બંધ જરૂરી

કોરોના ડેલ્ટા પ્લસનો વધતો ફેલાવો કૉમોડિટી-શૅરબજારને અવરોધશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારાના સંકેતથી સ્થાનિક શૅરબજારમાં કરેકશન-ઘટાડો આવ્યો હતો. જોકે, ઘટાડામાં પસંદગીના શૅરોમાં પુન: મહદ્અંશે રિકવરી જોવાઈ હોઈ આગામી અઠવાડિયું શૅરબજારની 15,000 ઉપરની સપાટી પુન: પાર કરીને ટકવાની મુખ્ય પારાશીશી પૂરવાર થશે એમ જાણકારો માને છે. પેઢીઓથી શૅરબજાર સાથે સંકળાયેલા બ્રોકરોના મતાનુસાર આ પ્રકારના ક્ષણિક આવેગ પછી શૅરબજારમાં પુન: રિકવરી અને સુધારાના અનેક દૃષ્ટાંતો મળે છે, પરંતુ દેશ-દુનિયાની આર્થિક સ્થિતિ વિશેષત: ભારતની અર્થવ્યવસ્થા અને હવે તાજા અહેવાલ મુજબ વિશ્વના 80 દેશોમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના ફેલાવાના અહેવાલથી રિકવરી અત્રેથી આંશિક વધી છે. ભારતના શૅરબજારમાં ઘટાડા પછી પુન: અગાઉ લગભગ જેટલી રિકવરી માટે ઘણા અનુભવી આશંકા રાખે છે. જેના ઠોસ 
કારણો છે.
ઈંગ્લેન્ડ ખાતે ડેલ્ટા પ્લસના 36,000 નવો કેસથી યુરોપ-અમેરિકામાં ત્રીજી વેવની શક્યતા બળવત્તર બની છે. આ સ્થિતિમાં લોખંડ, બિનલોહ ખાતુ અને મુખ્ય શૅરબજારોમાં શરૂ કરાયેલ (છેલ્લા વર્ષ દરમિયાન) તેજીને ટકાવવી અથવા નવી તેજી કરવી લગભગ અશક્ય હોવાનું લોકો માને છે. અલબત્ત, કિંમતી ધાતુઓમાં સ્થાયી રોકાણકારોની ખરીદી વધી શકે છે, પરંતુ ક્રૂડની વધુ તેજીને બ્રેક લાગશે. આ સાથે વૈશ્વિક મુખ્ય શૅરબજારો હવે આગામી છ મહિના કેટલીક ઉછાળા અને ઘટાડાના ઝોલા ખાતા સમગ્ર રીતે નબળાઈ દર્શાવશે, એમ વૈશ્વિક સ્તરે કોરોના અને મુખ્ય અર્થતંત્રોની સ્થિતિ જોતા કહી શકાય.
ભારતના શૅરબજારમાં શુક્રવારે એફઆઈઆઈ 2600 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જેને લીધે બજારમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો, પરંતુ છેલ્લા કલાકોમાં સંસ્થાકીય ખરીદી કરીને વેચાણ કાપવાથી નિફટી અને સેન્સેક્ષ પુન: રિકવર થવા છતાં અંતે થોડા નીચે બંધ રહ્યા હતા. જેથી આગામી અઠવાડિયે નિફટી 14,700-800 પાર કરીને નિફટી બે બંધ આપે તો જ બજાર પુન: 15,000 ઉપર જઈને ટકશે. બાકી ઉછાળા બિન બાદલ બરસાત જેવા ભ્રામક પૂરવાર થશે.
અત્રે નોંધનીય ગણાય કે શુક્રવારની છેલ્લી ઘડીની રિકવરી દરમિયાન મુખ્ય જાયન્ટ ગણાતા જેમાં મારુતિ સુઝુકી, ટિસ્કો, આઈટીસી, બજાજ ગ્રુપ જેવા શૅરમાં સુધાર અથવા રિકવરી આવી હતી. જ્યારે અન્ય મોટા ભાગના શૅરો ઘટીને બંધ રહ્યા હતા. જે ટૂંકા ગાળા માટે વેચવાલી વધવાનો સ્પષ્ટ સંકેત છે. જૂન એફઍન્ડટો એક્સ્પાયરી હવે જુલાઈ મહિનાની શૅરબજારની ચાલનો સ્પષ્ટ નિર્દેશ આપશે. જેથી શૅરબજારની ચાલનો સ્પષ્ટ નિર્દેશ આપશે. જેથી શૅરબજારના મોટા ટ્રેડરો હવે આગળની પોઝિશન સરભર કરવા અથવા નફાતારવણી માટે શૅરો વેચશે, એવી પ્રબળ શક્યતા વધી છે. જે શૅરબજારને વધુ નબળાઈ તરફ દોરશે. તાજેતરમાં દેશમાં એઈમ્સના ડિરેકટરે ત્રીજી વેવની સ્પષ્ટ સંભાવના દર્શાવી હોવા સાથે તેની ઘાતકતા બાબતે ચેતવણી ઉચ્ચારી હોવાથી સામાન્ય રોકાણકારો માટે હવે બજારમાં ટૂંકા ગાળા માટે નવી ઈન્ડેક્સ-બેઝડ શૅરોની ખરીદી નુકસાનનો સોદો પુરવાર થઈ શકે છે. ચોક્કસ આવનારા ઘટાડામાં નાની મૂડી અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતા ઓછી કિંમતના શૅરોમાં ત્રણ ટુકડે મધ્યમ ગાળાની ડિલિવરી બેઝડ ખરીદીમાં નુકસાન કરતા લાભની સંભાવના વધુ છે. જોકે, ખરીદી અગાઉ કંપનીનું નામ નહીં તેની મજબૂતીની જાત તપાસ કરીને નવું રોકાણ કરવાથી વધુ લાભ થશે, એમ અનુભવીઓ સ્પષ્ટ જણાવે છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer