2020માં સીધું વિદેશી મૂડીરોકાણ 27 ટકા વધીને $ 64 અબજ

ન્યૂ યૉર્ક, તા. 21 : કોરોનાને કારણે વિશ્વભરમાં પેદા થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ભારતમાં ગયે વર્ષે 2020માં 64 અબજ ડૉલરનું સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. જે વિશ્વમાં પાંચમા ક્રમે હતું. યુનોના એક અહેવાલ અનુસાર કોરોનાની બીજી લહેરે ભારતની આર્થિક પ્રવૃત્તિને ભારે પ્રતિકૂળ અસર કરી છે, પરંતુ તેના ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાથી મધ્યમ ગાળામાં આર્થિક વિકાસના સંયોગો ઉજળા છે.
યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ અૉન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટ (અંકટાડ) દ્વારા રજૂ કરાયેલા વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2021 અનુસાર કોરોનાને કારણે વિશ્વમાં વિદેશી રોકાણના પ્રવાહોને સખત ફટકો પડયો છે. 2020માં વિશ્વમાં વિદેશી મૂડીરોકાણ 2019ના 1.5 લાખ કરોડથી 33 ટકા ઘટીને 1 લાખ કરોડ ડૉલર થઈ ગયું હતું.
કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં રોકાણના પ્રોજેક્ટો અટકી અથવા ધીમા પડી ગયા હતા. આર્થિક મંદીની સંભાવના જોઈને ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓએ નવા પ્રોજેક્ટો વિશે ફેરવિચારણા કરી હતી.
આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ 2019ના 51 અબજ ડૉલરથી 27 ટકા વધીને 64 અબજ ડૉલર થયું હતું. ઇન્ફર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટેક્નૉલૉજી (આઈટીસી) ક્ષેત્રે વિદેશી કંપનીઓએ ભારતીય કંપનીઓમાં લીધેલા શૅરહોલ્ડિંગનો તેમાં નોંધપાત્ર ફાળો હતો. ભારતમાં આવેલું સીધું વિદેશી મૂડીરોકાણ વિશ્વમાં પાંચમાં ક્રમે આવે છે.
કોરોનાને કારણે વિશ્વમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર તથા ડિજિટલ સેવાઓની માગ ખૂબ વધી ગઈ. તેને પગલે રોકાણકારો માટે આઈસીટી ઉદ્યોગમાં હાથ ધરાયેલા નવા પ્રોજેક્ટોનું આકર્ષણ વધી ગયું. આ ઉદ્યોગમાં સીધું વિદેશી રોકાણ 22 ટકા વધીને 81 અબજ ડૉલર થઈ ગયું. તેમાં એમેઝોને ભારતમાં કરેલા 2.8 અબજ ડૉલરના રોકાણનો પણ સમાવેશ થાય છે.
ભારતમાં 24 અબજ ડૉલરના નવા (ગ્રીનફિલ્ડ) પ્રોજેક્ટોની જાહેરાત થઈ હતી, જે 2019ની સરખામણીએ 19 ટકાનો ઘટાડો દર્શાવે છે. કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક પ્રવૃત્તિમાં ઓટ આવવાથી 2021માં નવા પ્રોજેક્ટોની સંખ્યા અને કદમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે એમ અંકટાડનો અહેવાલ કહે છે. કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં ઔદ્યોગિક દૃષ્ટિએ મોખરાનાં રાજ્યોમાં રોકાણ અને ઉત્પાદનનું ચક્ર ધીમું પડવાની સંભાવના છે.
આમ છતાં ભારતીય અર્થવ્યવસ્થાના ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાથી તેમ જ તેની બજાર વિશાળ હોવાથી મધ્યમગાળામાં આર્થિક વિકાસ તથા મૂડીરોકાણના સંયોગો ઉજળા છે, તેમ અહેવાલ જણાવે છે.
નિકાસલક્ષી ઉદ્યોગોમાં ઉત્પાદન વધતા વાર લાગશે, પણ સરકારી નીતિ તેમાં મદદરૂપ થઈ શકે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer