મુંબૈ બૅન્કમાં ગેરરીતિઓ અંગે ભાજપના નેતા પ્રવીણ દરેકરની મુશ્કેલી વધશે

મુંબઈ, તા. 21 : મુંબૈ જિલ્લા નાગરી સહકારી બૅન્કમાં 123 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે મુંબઇ પોલીસની ઇકોનોમિક અૉફેન્સ વિંગ (ઇઓડબ્લ્યૂ) પાસે નોંધાયેલા ગુનાની તપાસ બંધ કરવા મુંબઈ સેશન્સ કોર્ટે મનાઇ ફરમાવી છે. જેને પગલે વિધાન પરિષદના વિપક્ષ નેતા પ્રવીણ દરેકર, ભૂતપૂર્વ અધ્યક્ષ શિવાજી નલાવડે સહિત અન્યોની મુશ્કેલીમાં વધારો થવાનો છે. 
આ ગેરરીતિની ફરિયાદ ભારતીય જનતા પક્ષના વિવેકાનંદ ગુપ્તાએ ઇઓડબ્લ્યૂને કરી પછી વર્ષ 2015માં પોલીસની આર્થિક અપરાધ શાખાએ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ કર્યા બાદ ફોજદારી ગુનાની નોંધ તપાસ એજન્સી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ દરેકરે ભાજપમાં પ્રવેશ કર્યો અને સત્તાધારી પક્ષ ભાજપના સમયકાળમાં આ ગુનાની તપાસ ધીમી પડી હતી. આ ગુનામાં કોઇ તથ્ય ન હોવાનો સી સમરી અહેવાલ ઇઓડબ્લ્યૂએ 47મા મહાનગર દંડાધિકારીને રજૂ કર્યો હતો જેનો વિરોધ પંકજ કોટેચાએ નોંધાવ્યો હતો. જેને પગલે મહાનગર દંડાધિકારીએ આ અહેવાલ સ્વીકારવાની મનાઇ ફરમાવી કેટલાક મુદ્દા રજૂ કર્યાં હતાં.
47મા મહાનગર દંડાધિકારીએ મુંબૈ બૅન્ક સંબધિત ગુનામાં સી સમરી અહેવાલને મંજૂરી આપી હતી. પરંતુ બીજા મામલે કેટલાક મુદ્દા રજૂ કર્યા છે. જેમણે આક્ષેપ મૂકયો છે એ પંકજ કોટેચા રાજકીય પ્રતિસ્પર્ધી છે. આ આક્ષેપ સંસ્થાના સભાસદ જ કરી શકે છે એવું સ્પષ્ટીકરણ દરેકરે આપ્યું હતું. કોર્ટે રજૂ કરેલા મુદ્દા બાબતે સવિસ્તર સ્પષ્ટીકરણ આર્થિક ગુના વિભાગ આપશે એમ દરેકરે વધુમાં જણાવ્યું હતું.  
કૌભાંડ શું છે?
  • વર્ષ 2011-12માં એક જ દિવસે સભાસદ થનારી 74 મજૂર સંસ્થાને મંજૂરી. આ બધી બોગસ સંસ્થા હોવાનો આરોપ છે.
  • રાજા નલાવડેની ભંડોળ વિભાગના વ્યવસ્થાપક તરીકે નિમણૂક થયા બાદ 172 કરોડ રૂપિયાના શેરોને165 કરોડમાં વેચી દેવાયા.
  • બંધ પડેલી મજૂર સંસ્થા (બનાવટી)ઓને પુન : શરૂ કરીને 183 કરોડ રૂપિયાની લોન અપાઇ, અનેક મજૂર સંસ્થા ગુમ. વિવિધ શાખામાં ભાડાં કરાર, આધુનિકીકરણ, ડિજિટલાઇઝેશન, ફર્નિચર ખરીદીના વ્યવહારોમાં ગંભીર ભૂલો.
  • ગત પાંચ વર્ષમાં માલમત્તા સમારકામ અને નૂતનીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ
  • નાબાર્ડના 2018-19ના અહેવાલમાં બૅન્કના કામકાજ સામે ગંભીર ટીપ્પણ.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer