યોગમાં ૐ નું રાજકારણ

`ઓમ'થી યોગની શક્તિ ન વધે : અભિષેક મનુ  સિંઘવી
ભાજપનો પ્રહાર : આવા ટ્વીટથી યોગની મહાનતા નહીં ઘટે
નવી દિલ્હી, તા. 21 : દુનિયાભરમાં સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વચ્ચે યોગમાં ઓમનાં ઉચ્ચારણ અંગે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીનાં નિવેદન બાદ વિવાદ સાથે રાજકીય વાક્યુદ્ધ છેડાયું હતું.
યોગ દિવસ પર સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાત્રી અને કોંગ્રેસ નેતા સિંઘવીએ ટ્વિટ કર્યું કે, યોગમાં `ઓમ' શબ્દના ઉચ્ચારથી યોગ વધુ શક્તિશાળી નહીં થઇ જાય કે `અલ્લાહ' બોલવાથી યોગની શક્તિ ઓછી નહીં થાય. આવું વિવાદસર્જક નિવેદન કરનાર  કોંગ્રેસ નેતા  પર ભાજપ તેમજ યોગગુરુ બાબા રામદેવે પલટવાર કર્યો છે.
બાબા રામદેવે કહ્યું હતું કે, `સબકો સન્મતિ દે ભગવાન; અલ્લાહ, ભગવાન, ખુદા સૌ એક જ છે, ત્યારે `ઓમ' બોલવામાં તકલીફ કેમ, અમે કોઇને ખુદા કે અલ્લાહ બોલવાની કદી ના નથી પાડી.
ભાજપ વતી વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયએ સિંઘવીને તેમના જ અંદાજમાં જવાબ આપતાં કહ્યું હતું કે, `છુટભૈયા' નેતેના ટ્વિટથી યોગની મહાનતા ઓછી થવાની નથી.
બીજી તરફ સિંઘવીની ટિપ્પણીને તેમના જ પક્ષના નેતા આચાર્ય પ્રમોદે ખોટી ગણાવતાં કહ્યું હતું કે, `ઓમ' વિના સનાતન ધર્મની કલ્પના વ્યર્થ છે.
કેસરિયા પક્ષના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસ દેશનો માહોલ બગાડવા માગે છે. આ પક્ષના નેતાઓ યોગમાં પણ ધર્મ શોધે છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer