કોરોના નિયમોની અવગણના મોંઘી પડશે : ડૉ. ગુલેરિયા

બીજી લહેરમાંથી આપણે કંઈ શીખ્યા નથી, 6થી 8 અઠવાડિયાંમાં ત્રીજી લહેરની ભીતિ
નવીદિલ્હી, તા.21: કોરોનાનાં કેસમાં જબરદસ્ત અને રાહતકારી ઘટાડો થવા સાથે જ દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં નિયંત્રણોમાં ઢીલ આપવામાં આવી રહી છે તો કેટલાક રાજ્યોમાં તો લોકડાઉન લગભગ સમાપ્ત થઈ ગયું છે. જેને પગલે ફરીથી દેશમાં બેદરકારીનાં ચિંતાજનક દૃશ્યો સામે આવવા લાગ્યા છે. કોવિડની આચારસંહિતાનું પાલન થઈ રહ્યું નથી. જેને પગલે ઓક્ટોબર માસ આસપાસ જ કોરોનાની વધુ ઘાતક એવી ત્રીજી લહેર દેશમાં ત્રાટકે એવી ચિંતા તબીબો અને તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ) દ્વારા પણ કોરોનાનાં ત્રીજા મોજાં માટે ચેતવણી જારી કરવામાં આવેલી છે. તમામ નિષ્ણાતોનું પણ માનવું છે કે કોરોનાનો ત્રીજો હુમલો વધુ ખતરનાક હોઈ શકે છે. જેમાં બાળકો સૌથી વધુ ચપેટમાં આવે તેવી દહેશત છે. આ વિશે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિન ચૌબેએ જણાવ્યું હતું કે, સરકાર આના માટે પૂર્વતૈયારીઓ કરી રહી છે. બાળકો માટે વિશેષ વોર્ડ પણ વધારવામાં આવી રહ્યા છે. બાળકો માટે ઓક્સિજનની વ્યવસ્થા પણ અત્યારથી જ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બાળકોને રસી આપવા અંગે પણ સંશોધન અને પરીક્ષણો ચાલે છે. 
એઈમ્સનાં ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેર વિશે કહ્યું છે કે, અનેક રાજ્યોમાં છૂટછાટ સાથે જ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. પહેલી અને બીજી લહેરમાંથી આપણે કશું જ શીખ્યા હોય તેવું લાગતું નથી. ફરીથી ભીડ એકત્ર થઈ રહી છે. આ સંજોગોમાં 6થી 8 સપ્તાહમાં જ કોરોનાની ત્રીજી લહેર દસ્તક દઈ શકે છે. આ બધુ હવે લોકો ઉપર નિર્ભર રહેશે કે તેવો કેટલી સાવધાની વર્તે છે. જ્યાં સુધી દેશની બહોળી આબાદીનું રસીકરણ ન થઈ જાય ત્યાં સુધી કોરોનાનાં નિયમોની અવગણના મોંઘી પડી શકે છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer