વર્ષ 1971માં પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધની સુવર્ણ જયંતી ઊજવશે કૉંગ્રેસ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : વર્ષ 1971માં પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધ અને બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી જુલાઈમાં શરૂ કરવાની યોજના કૉંગ્રેસ દ્વારા ઘડવામાં આવી રહી છે.
કૉંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આક્રમક રાષ્ટ્રવાદના મુદ્દાનો અસરકારક ઉત્તર આપવા માટે અને પાકિસ્તાનના ભાગલા પડાવવામાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને મળેલી સફળતાથી નવી પેઢીને વાકેફ કરવાથી રાજકીય લાભ મળી શકે છે એ ગણતરીથી કૉંગ્રેસે આ ઉજવણી શરૂ કરવાની યોજના ઘડી છે. આ નિમિત્તે નવી પેઢીને કૉંગ્રેસના નેતા ઇન્દિરા ગાંધીના કુશળ અને બાહોશ નેતૃત્વથી વાકેફ કરાશે. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધ અને તેના ભાગલા માટે અપનાવેલી કુશળ વ્યૂહરચનાની માહિતી ભારતના 650 જિલ્લામાં પહોંચાડવા માટે ગત મેથી પાયાના સ્તરે બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, કોરોનાના ઉપદ્રવને કારણે આ યોજના અમલમાં મૂકી શકાઈ નહોતી.
કૉંગ્રેસના નેતા અને ભૃતપૂર્વ સંરક્ષણપ્રધાન એ. કે. એન્થોનીએ ગઈ કાલે પક્ષની વર્ષ 1971ના યુદ્ધની સુવર્ણ જયંતીની ઉજવણી સમિતિના સંયોજક (નિવૃત્ત) કૅપ્ટન પ્રવીણ દાવર સાથે વાત કરીને તૈયારીઓની જાણકારી મેળવી હતી. જુલાઈના મધ્યમાં કોરોનાનો ઉપદ્રવ નિયંત્રણમાં હશે તો વર્ષ 1971ના યુદ્ધની સુવર્ણ જયંતીની ઉજવણીની શરૂઆત કરાશે.
આ ઉજવણીના પ્રારંભ નિમિત્તે યોજાનારા કાર્યક્રમની આમંત્રણપત્રિકા ઉપર પાકિસ્તાનના કમાન્ડર - લેફ. જનરલ એ.એ.કે. નિવાઝીએ ભારતના લેફ. જનરલ જગજિતસિંહ અરોરા સમક્ષ શરણાગતિના દસ્તાવેજ ઉપર સહી કરી તે તસવીર પ્રગટ કરવામાં આવી છે. ઉપરાંત સશસ્ત્ર દળોના વડા સામ મણિક શાને તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ અભિનંદન આપ્યા તે તસવીર પણ પ્રગટ કરવામાં આવશે.
કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ ગત ડિસેમ્બરમાં આ હેતુસર રચેલી સમિતિમાં પંજાબના મુખ્ય પ્રધાન અમરીન્દર સિંહ, લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર મીરાકુમાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer