વૅક્સિનેશન વેગીલું કરવા માસ્ક અને રોકડ પ્રોત્સાહનોની વિચારણા

નવી દિલ્હી, તા. 21 : અપૂરતો પુરવઠો, રસી લેવામાં ખચકાટ અને ખોટી માહિતીને લીધે દેશનું કોવિડ-19 વૅક્સિનેશન અભિયાન ધીમું પડયું છે. ટૂંકમાં મહામારીનો પ્રકોપ ચાલુ હોવા છતાં લોકો તરફથી વૅક્સિનને ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો રસી લેવા માટે આગળ આવે તે માટે તેમને નિ:શુલ્ક માસ્ક અને પરિવહનથી માંડીને રોકડ રકમ પ્રોત્સાહન રૂપે આપવાની વિચારણા અધિકારીઓ દ્વારા થઈ રહી છે.
વૅક્સિનના અપૂરતા પુરવઠાને કારણે દરેક વયસ્ક વ્યક્તિને રસી આપવાના અભિયાનમાં પણ અવરોધ આવી રહ્યો છે. વયસ્ક વ્યક્તિઓમાંથી ફક્ત લગભગ 3.5 ટકા લોકોનું વૅક્સિનેશન પૂર્ણ થયું છે. એની સરખામાણીમાં બ્રાઝિલમાં આ પ્રમાણ 11.07 ટકા અને રશિયામાં 9.78 ટકા છે. ભારતમાં વૅક્સિનેશન અભિયાન હવે ત્રીજા તબક્કામાં છે પરંતુ આરોગ્ય કર્મચારીઓ અને આગલી હરોળના કર્મચારીઓના રસીકરણના પહેલા તબક્કાને પણ પૂરો કરી શકાયો નથી.
એનઆઈટીઆઈ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) અને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વૅક્સિનેશન ઍડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19ના અધ્યક્ષ વિનોદ પૉલે જણાવ્યું હતું કે આરોગ્ય, રાજ્યોનો વિષય હોવાથી અમે રાજ્યોને વૅક્સિનેશનનું કવરેજ વધારવા કહ્યું છે. રસીકરણ કાર્યક્રમમાં વધુ લોકોને આવરી લેવા માટે નવા વિચારો અમલમાં મૂકવાની તેમને સ્વતંત્રતા છે. લોકો વૅક્સિન લેવા માટે આગળ આવે તે માટે વિવિધ પ્રોત્સાહન જાહેર કરવાનો વિચાર સારો છે અને સમય આવ્યે અમે એના પર ચર્ચા કરી શકીએ છીએ, એવું તેમણે કહ્યું હતું.
ભારતમાં પુખ્ત વયની તમામ વ્યક્તિ માટે વૅક્સિનનું અભિયાન સોમવારથી  શરૂ થયું છે. સરકારનું માનવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ 75 ટકા વૅક્સિન ખરીદી લીધા બાદ  પુરવઠો સામાન્ય થઈ જશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જાહેર આરોગ્ય ક્ષેત્રે સુધારો કરવા માટે રોકડ રકમના પ્રોત્સાહન બાબતે વાદવિવાદ થઈ રહ્યો છે, પરંતુ આ પ્રકારના પ્રોત્સાહનથી મદદ મળી છે. પરિવાર નિયોજનમાં આપણે વસ્તી નિયંત્રણની કોશિશ કરીએ છીએ એમ કોરોનાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.
દરમિયાન વિવિધ રાજ્યો પણ વૅક્સિન અભિયાનને વેગ આપવા જુદાં જુદાં પ્રોત્સાહન દ્વારા લોકોને પ્રેરિત કરવા યોજનાઓ ઘડી રહ્યા છે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer