મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વિષાણુ મળ્યા, આઠ દરદી રત્નાગિરિમાંથી મળ્યા

મુંબઈમાં ડેલ્ટા પ્લસનો એકપણ દરદી નથી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : કોરોના વિષાણુના ખતરનાક સ્વરૂપ ડેલ્ટા-પ્લસના 20 દરદી ભારતમાંથી મળ્યા છે અને એમાંથી આઠ દરદી મહારાષ્ટ્રના છે. આ આઠેઆઠ દરદી રાજ્યના રત્નાગિરિ જિલ્લાના છે. 
મુંબઈ પાલિકાના વધારાના આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યુ હતુ કે શહેરમાં ડેલ્ટા પ્લસનો એક પણ દરદી નથી.
ડેલ્ટા વિષાણુનું નવુ સ્વરૂપ ડેલ્ટા-પ્લસ છે. મહારાષ્ટ્ર ઉપરાંત તામિલનાડુ, પંજાબ અને મધ્ય પ્રદેશમાંથી ડેલ્ટા પ્લસના દરદી મળ્યા છે. અત્યાર સુધીના કોરોનાના વિષાણુઓમાં ડેલ્ટા સ્વરૂપ બહુ ખતરનાક છે. 
ડેલ્ટા વિષાણુ કેટલા ઝડપથી ચેપ ફેલાવે છે અને એનો અભ્યાસ અત્યારે ચાલુ છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ આ વિષાણુ અસ્તિત્વમાં હતો કે કેમ એની પણ તપાસ થઈ રહી છે. યુરોપમાં આ વિષાણુને માર્ચમાં જોવામાં આવ્યો હતો, પણ 13 જૂનના લોકોને એ વિશે જાણ કરવામાં આવી હતી. સાત જૂન સુધી ભારતમાં ડેલ્ટા પ્લસના સાત કેસ હતા. 
રત્નાગિરિમાં ડેલ્ટા પ્લસના આઠ કેસ મળ્યા છે. આને પગલે જીનોમ સિક્વન્સિંગ માટે 50 સેમ્પલ્સ ઈન્સ્ટિટ્યૂટ અૉફ જીનોમિક્સ ઍન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી-સીએસઆઈઆરને મોકલવામાં આવ્યા હતા. 
રત્નાગિરિમાંથી ડેલ્ટા વાયરસના કુલ જે આઠ કેસ મળ્યા હતા તેમને હળવો કોરોના થયો હતો અને એ બધા દરદી હવે સાજા થઈ ગયા છે. આ નવો વિષાણુ જિલ્લામાં એક મહિનાથી હતો, પણ ત્યાં હજી એ ફેલાયો નથી. રત્નાગિરિમાં કોરોનાના કુલ દરદીઓમાં ડેલ્ટા પ્લસ વિષાણુવાળા દરદીઓનું પ્રમાણ 0.005 ટકા જ છે. રાજ્યના અન્ય જિલ્લામાંથી હજી આ વાયરસવાળા કોઈ દરદી મળ્યા નથી. જોકે, નવી મુંબઈ અને પાલઘરમાંથી ડેલ્ટા પ્લસવાળા દરદી મળ્યા હોવાનું કહેવાય છે. 
દરમિયાન સરકારે દરેક જિલ્લાને આવાતા બે-ત્રણ અઠવાડિયાં સુધી દરદીઓના 100થી વધુ સેમ્પલો મોકલવાની સૂચના આપી છે. કોરોનાના ગંભીર કેસ, રસી પછી ચેપવાળા દરદી અને જે ગામોમાં કોરોનાના ફેલાવવાનું પ્રમાણ વધુ છે ત્યાંના લોકોના સેમ્પલ એનાલિસિસ માટે મોકલાશે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer