મેટ્રો-ટુ અને મેટ્રો-સાત લાઈન જલદી પૂરી કરવાની યોજના

ટ્રાન્સ હાર્બર લિંક ઉપર મેટ્રો બાંધવાની શક્યતા તપાસવામાં આવી રહી છે
વડાલા-કસારવડવલી રૂટને પ્રાથમિકતા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના નવા કમિશનર એસવીઆર શ્રીનિવાસ કહે છે કે મુંબઈમાં મેટ્રોની ટુ-એ (દહીસરથી માનખુર્દ) અને મેટ્રો-સાત લાઈન (દહીસર પૂર્વ, અંધેરી-પૂર્વ, ઍરપોર્ટ) ઝડપથી પૂરી કરવામાં આવશે. આ બન્ને લાઈનના ફેઝ એક માટે નવેમ્બર-ડિસેમ્બરની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જ્યારે ફેઝ-ટુ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પૂરો કરાશે. 
વડાલાથી કસારવડાવલી વચ્ચેની મેટ્રો-ફોર લાઈન પણ અમારા અગ્રક્રમની યાદીમાં છે. એ ઉપરાંત વેસ્ટર્ન એક્પ્રેસ હાઈવે પર ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેમ શરૂ કરવી એના પર પણ અમે ભાર આપી રહ્યા છીએ. એ ઉપરાંત આ હાઈવે પર સાઈકલ માટે અલગ ટ્રેક નાખવાનું પણ વિચારી રહ્યા છીએ. 
તેમણે કહ્યું હતું કે મેટ્રોના કારશેડનું કામ ઝડપથી પૂરું કરવામાં આવશે. અત્યારે એક કારશેડનું કામ કાંદિવલીમાં ચારકોપમાં અને બીજા કારશેડનું કામ ચેમ્બુરમાં ચાલી રહ્યું છે. હજી અમારે વધુ ત્રણ કારશેડ બાંધવાના છે. આરેમાં કે કાંજુરમાર્ગમા મેટ્રો-થ્રી લાઈનના કારશેડ બાંધવાના મુદ્દાનો પણ જલદી ઉકેલ આવી જશે. એનો ઉકેલ આવી જશે તો મેટ્રો થ્રી ઝડપથી શરૂ થઈ શકશે. 
તેમણે કહ્યું હતું કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક યોજના પર પણ અમે ભાર આપી રહ્યા છીએ. આ પ્રોજેક્ટથી પેલી તરફના પ્રદેશનો આર્થિક વિકાસ થશે. કોકણ, ગોવા અને પૂના પણ તળ મુંબઈથી સીધા જોડાઈ જશે. એટલે જ અમે વરલી-શિવરી કનેકટરને પ્રાધાન્ય આપી રહ્યા છીએ. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો કોસ્ટલ રોડને અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પણ જોડશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર મેટ્રો શરૂ કરવાની શક્યતા પણ અમે તપાસી રહ્યા છીએ. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પરની ચાર લાઈનમાંથી એક લાઈન પર મેટ્રો દોડી શકે છે. એમ થાય તો અમારે કોઈ બાંધકામ કરવાની જરૂર નહી પડે. માત્ર ટ્રેક બિછાવવા પડશે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer