નિષ્ણાતોની પૅનલનો નિર્ણય આવે ત્યાં સુધી દહાણુમાં કોઈ કાર્યવાહી નહીં : એનજીટી

મુંબઈ, તા 21 : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ની પ્રિન્સિપલ બેન્ચે એના 15 જૂનના આદેશમાં જણાવ્યું હતું કે, એ તર્કમાં યોગ્યતા જણાઈ હોવાથી પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ એવા દહાણુ તાલુકાના તમામ બંદરો અને સંબંધિત ગતિવિધિઓને બિનઔદ્યોગિક તરીકે ઘોષિત કરી શકાય નહીં. 
એપ્રિલ 2020માં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ 242 ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરને લાલ, નારંગી, લીલા અને સફેદની શ્રેણીમાં અલગ તારવ્યા હતા. લાલ એ પ્રતિબંધિત કેટેગરી છે. સંશોધિત વર્ગીકરણ મુજબ બંદરોને બિનઔદ્યોગિક કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. 
જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા એનજીટીના આદેશમાં જણાવાયું  છે કે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોનો અભ્યાસ કર્યા વિના વર્ગીકરણ કરવું હિતાવહ નથી. બંદરો સહિત ઔદ્યોગિક તરીકે વર્ગીકૃત ન કરાયેલી ગતિવિધિઓ પર કોઈ પ્રતિબંધ નથી. 
એનજીટીની નિષ્ણાતોની પૅનલમાં ઓછામાં ઓછા પાંચ વિખ્યાત વિશેષજ્ઞો હોવા જોઇએ, જેમાં સમુદ્રી જીવ વિજ્ઞાન કે ઇકોલૉજી અને ભારતીય વન્યજીવ સંસ્થાન સામેલ છે, જેઓ સાઇટ પર જઈ શકે અનં સંબંધિતો સાથે વાતચીત કરી શકે. 
એનજીટીના આદેશમાં જણાવાયું છે કે, જ્યાં સુધી આ પ્રકારનો અભ્યાસ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સંવેદનશીલ દહાણુ તાલુકા પર અમલમાં મુકાનાર ઓએમ (અૉફિસ મેમોરેન્ડમ)ને અમલમાં મુકી શકાશે નહીં. 
માછીમારોના સંગઠને દલીલ કરી હતી કે સીપીસીબીના આદેશનો મતલબ થશે કે બંદરોને ઇકોલૉજીકલી સેન્સિટિવ એરિયામાં ગણાશે. ડીટીઈપીએએ આપેલા વાધવાનમાં બંદર બનાવવાની વિરુદ્ધ આદેશ આપ્યો હતો. આ આદેશને રદ કરવા એમઓઈએફએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેમાં કોર્ટે હાઈ કોર્ટના નિવૃત્ત જજને બદલે સરકારના સેક્રેટરીની નિમણૂક ડીટીઈપીએના ચૅરમૅન તરીકે કરવા જણાવ્યું હતું. 
એનજીટીના આદેશમાં જણાવાયુ હતું કે, બિટ્ટુ સહગલ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, નીરી (નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયારિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ)ના અહેવાલમાં સંવેદનશીલ વિસ્તારની સુરક્ષા માટે સાવચેતીભર્યા પગલાંની સાથે વિકાસના સિદ્ધાંતોનું પાલન કરવું અનિવાર્ય છે. 
ફોરમ વતી ઍડવોકેટ મીના કાકલિયાએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે એનજીટી દ્વારા ગઠિત સમિતિ દહાણુ તાલુકા પર્યાવરણ સંરક્ષણ અૉથોરિટી દ્વારા 1998માં જણાયેલી બાબતોની પુષ્ટિ કરે છે કે બંદરને કારણે દહાણુના પર્યાવરણ પર અવળી અસર થઈ શકે છે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer