મુંબઈની 50 ખાનગી હૉસ્પિટલોએ 20 લાખ રસીના ડૉઝની માગણી કરી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : મુંબઈની ખાનગી હૉસ્પિટલોએ પાલિકા પાસેથી કોરોનાના 20 લાખ ડૉઝની માગણી કરી છે. ખાનગી હૉસ્પિટલની આ માગણી રાજ્ય સરકારને સુપરત કરાશે અને રાજ્ય સરકાર એ માગણી કેન્દ્રને આપતા પહેલાં રાજ્યની ખાનગી હૉસ્પિટલોની રસીની ડિમાન્ડનો અભ્યાસ કરશે અને કુલ માગણી કેન્દ્રને મોકલશે. 
પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે મુંબઈની ખાનગી હૉસ્પિટલોની રસીની ડિમાન્ડ કેટલી છે એ જાણવાની આ કવાયત છે. એટલે કેટલી રસી કેન્દ્ર પાસેથી મેળવવી અને રસીકરણની તૈયારી કેમ કરવી એનો ખ્યાલ આવશે. 
સૂત્રોએ કહ્યું હતું કે મુંબઈની ખાનગી હૉસ્પિટલોએ પાંચ હજારથી પોણા બે લાખના રેન્જની વચ્ચે રસીના ડૉઝની માગણી કરી છે. અમુક મોટી હૉસ્પિટલોએ 10,000થી 30,000ની રેન્જ વચ્ચે રસીની માગણી કરી છે. વૉકહાર્ટ, નાણાવટી, સુરાણા ગ્રુપ, વૅલપ્રિંગ હૅલ્થકૅર, અૉસ્કાર હૉસ્પિટલે બે લાખ રસીના ડૉઝની માગણી કરી છે. જ્યારે બૉમ્બે હૉસ્પિટલ, સૈફી, કોહિનૂર, શુશ્રુત, પ્રિન્સ અલી ખાન અને મસિના હૉસ્પિટલોએ દસ હજારથી 75 હજારની રેન્જ વચ્ચે રસીના ડૉઝની માગણી કરી છે. કૉવિશિલ્ડ રસીની ડિમાન્ડ વધુ છે. હૉસ્પિટલોએ 16-17 લાખ 
ડૉઝ કૉવિશિલ્ડના માગ્યા છે. 88 ખાનગી હૉસ્પિટલોમાંથી 50એ તેમની રસીની ડિમાન્ડ પાલિકા સમક્ષ મૂકી છે. 
એક ખાનગી હૉસ્પિટલના ચીફે કહ્યું હતું કે અમે જેટલી રસી માગી છે એટલી મળવાની નથી એની અમને ખબર છે એટલે અમે રસીની વધુ માગણી કરી છે. છેલ્લા એક સપ્તાહમાં કંપની અને અન્ય જૂથોની રસીની માગણી ઘટી છે. એકવાર સરકારી રસી ઝુંબેશને વેગ મળશે એ પછી ખાનગી હૉસ્પિટલોમાં બહુ લોકો રસી લેવા આવશે કે કેમ એની ખબર નથી. અન્ય એક હૉસ્પિટલમાં ચીફે કહ્યું હતું કે આ જ કારણસર અમે રસીની ઓછી માગણી કરી છે. 
સૈફી હૉસ્પિટલે છેલ્લા 26 દિવસમાં કેટલાને રસી આપવામાં આવી એનો સરેરાશ કાઢી રસીની માગણી કરી છે. 18થી 44 વર્ષના લોકોને રસીનો બીજો ડૉઝ લેવાનો હશે ત્યારે અૉગસ્ટ મહિનામાં રસીની ડિમાન્ડ વધશે એવું હૉસ્પિટલનું માનવું છે. 
રસીકરણની ઝુંબેશમાં કેટલું રોકાણ કરવું એ વિશે મધ્યમ સ્તરની ખાનગી હૉસ્પિટલો અવઢવમાં છે. મલાડની સંજીવની હૉસ્પિટલના ડૉ. સુનીલ અગ્રવાલે કહ્યું હતું કે જે લોકોને પરવડતું હતું તેમણે ખાનગી હૉસ્પિટલોમાં પૈસા આપીને રસી લઈ લીધી છે એટલે નિ:શુલ્ક રસી માટેનો ધસારો ફરી વધશે. મારી હૉસ્પિટલે 50 હજાર રસીના ડૉઝની માગણી કરી છે. 
પાલિકાના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે અત્યારે ખાનગી હૉસ્પિટલો પાસેથી 20 લાખ જેટલા ડૉઝની માગણી આવી છે. બાકીની હૉસ્પિટલો તેમની માગણી રજૂ કરશે ત્યારે આ આંકડો હજી વધશે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer