મનસુખ હિરેન હત્યા કેસમાં ત્રણ આરોપીઓને 25 જૂન સુધી એનઆઇએની કસ્ટડી

મુંબઈ, તા. 21 : મુંબઇની એક વિશેષ અદાલતે સોમવારે એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી કાર મૂકવા અને એ કારના માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને 25મી જૂન સુધી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની કસ્ટડીમાં મોકલી દીધા છે. 
એનઆઇએએ અદાલતને જણાવ્યું હતું કે તે ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની પૂછપરછ કરવા માગે છે. ત્યાર બાદ કોર્ટે અરજી મંજૂર કરી આદેશ આપ્યો હતો.  વિશેષ અદાલતના ન્યાયાધીશ પીઆર સિત્રેએ સુનીલ માને, સંતોષ શેલાર અને આનંદ જાધવને 25મી જૂન સુધી એનઆઇએની કસ્ટડી ફટકારી હતી.  સોમવારે અદાલતે શર્માને પોતાના વકીલને દરરોજ 20 મિનિટ મુલાકાત કરવાની પરવાનગી પણ આપી હતી. શેલાર અને જાધવને અગિયારમી જૂને તાબામાં લેવાયા હતા અને પ્રદીપ શર્માની ધરપકડ 17 જૂને કરવામાં આવી હતી. શર્મા 28મી જૂન સુધી એનઆઇએની કસ્ટડીમાં છે. સુનીલ માનેની અગાઉ ધરપકડ બાદ હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એનઆઇએએ આ કેસમાં અત્યારસુધી દસ જણની ધરપકડ કરી છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer