અનિલ દેશમુખ સામેની તપાસમાં મહારાષ્ટ્ર સરકાર સહકાર આપતી નથી : સીબીઆઈ

અનિલ દેશમુખ સામેની તપાસમાં મહારાષ્ટ્ર સરકાર સહકાર આપતી નથી : સીબીઆઈ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : સીબીઆઈએ સોમવારે મુંબઈ હાઈ કોર્ટને કહ્યું હતું કે માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખના ભ્રષ્ટાચારના પ્રકરણમાં મહારાષ્ટ્ર સરકાર સહકાર નથી આપતી.સીબીઆઈ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે આ તપાસ જો સરખી થાય તો રાજ્યના સમગ્ર પ્રશાસનની સફાઈ કરી શકાય એમ છે, પણ રાજ્ય સરકાર તપાસમાં સીબીઆઈને સહકાર નથી આપતી. 
સીબીઆઈ તપાસના હાઈ કોર્ટના ઓર્ડરની સીમાને પાર કરી રહી છે એવા રાજ્ય સરકારના આક્ષેપને સોલિસિટર જનરલે નકારી કાઢ્યો હતો. 
મહારાષ્ટ્ર સરકારના ધારાશાસ્ત્રી રફિકદાદાએ આક્ષેપ કર્યો હતો કે આઈપીએસ અધિકારી રશ્મિ શુકલાના ગેરકાનૂની ફોનટેપિંગ અને સંવેદનશીલ દસ્તાવેજોને લીક કરવા અંગેના કેસ દ્વારા સીબીઆઈ દેશમુખ તપાસમાં દખલ કરવા માગે છે. આ આક્ષેપને પણ તુષાર મહેતાએ નકારી કાઢ્યો હતો.
મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો ગેરકાનૂની રીતે પોસ્ટિંગ અને ટ્રાન્સફરનું કૌભાંડ અસ્તિત્વ ધરાવતું હોય તો સીબીઆઈએ તેની તપાસ કરવી જોઈએ. મહારાષ્ટ્ર સરકારના ધારાશાત્રી એફઆઇઆરનો તે હિસ્સો કાઢી નાખવાનું કેવી રીતે કહી શકે? હાલ પોલીસ ખાતામાંથી બરતરફ કરાયેલા સચીન વાઝે ભૂતકાળમાં કસ્ટડીમાં હત્યાના પ્રકરણના આરોપોનો સામનો કરી ચૂક્યા છે. વાઝે માત્ર આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર હોવા છતાં મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખને સીધા મળી શકતા હતા. આ બાબતો નવી વ્યક્તિ માટે સુધ્ધાં અસાધારણ છે. તેથી સીબીઆઈ તેની તપાસ કરી રહી છે, એમ તુષાર મહેતાએ ઉમેર્યું હતું.
વડી અદાલતમાં આ પ્રકરણની સુનાવણી આવતી કાલે ચાલુ રહેશે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer