કોરોના : 65 દિવસે સૌથી ઓછાં 1422 મૃત્યુ

કોરોના : 65 દિવસે સૌથી ઓછાં 1422 મૃત્યુ
દૈનિક સંક્રમિતો ઘટીને 53,256; સક્રિય કેસ 2.3 ટકા
નવી દિલ્હી, તા. 21: દેશ આખામાં ઝેરની માફક સંક્રમણ ફેલાવીને ઉચાટ પેદા કરનાર કોરોના વાયરસ હવે થાકયો હોય તેમ નવા દર્દીઓનાં પ્રમાણમાં દિવસોદિવસ ઘટાડો થવા માંડયો છે, તો સારવાર લઈ રહેલા દર્દીઓનો આંક પણ ઘટવા માંડયો છે.
ભારતમાં સોમવારે 88 દિવસમાં સૌથી ઓછા 53,256 નવા દર્દી ઉમેરાયા હતા, તો આજે 65 દિવસમાં સૌથી ઓછા 1422 મોત થયાં હતાં.
દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2.99 કરોડને આંબી બે કરોડ, 99?લાખ, 35,221 પર પહોંચી ગઈ છે, તો કુલ 3,88,135 દર્દી જાન ગુમાવી ચૂકયા છે.
આજે 26,356 કેસના ઘટાડા બાદ આજની તારીખે 7,02,887 દર્દી સારવાર હેઠળ છે. કુલ સંક્રમિતોની સંખ્યાની તુલનામાં સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને 2.35 ટકા રહી ગયું છે.
ભારતના વિવિધ ભાગોમાં વધુ 78,190 દર્દી સંક્રમણના સકંજામાંથી મુક્ત થઈ જતાં કુલ સ્વસ્થ સંક્રમિતોની સંખ્યા 2.88 કરોડને પાર કરી બે કરોડ, 88 લાખ, 44,199 પર પહોંચી ગઈ છે. દેશમાં સોમવારે નવા દર્દી કરતાં 24,934 વધુ દર્દી સાજા થયા હતા. આમ સળંગ 39મા દિવસે નવા કરતાં સ્વસ્થ દર્દીઓનો આંક ઊંચો રહેતાં સાજા થતા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ વધીને 96.36 ટકા થઈ ગયો છે.
દૈનિક સંક્રમણ દર ઘટીને 3.83 ટકા તો સંક્રમણનો સાપ્તાહિક દર પણ ઘટીને 3.32 ટકા થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધી 39.24 કરોડથી વધુ ટેસ્ટ થઈ ચૂકયા છે. તો 28 કરોડથી વધુ નાગરિકોને રસીનું સુરક્ષાકવચ મળી ચૂકયું છે. 

Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer