મહારાષ્ટ્રમાં 70 ટકા વસ્તીનું રસીકરણ થયા બાદ જ સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ યોજાશે

મહારાષ્ટ્રમાં 70 ટકા વસ્તીનું રસીકરણ થયા બાદ જ સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ યોજાશે
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશરીફે સોમવારે કહ્યું હતું કે રાજ્યની 70 ટકા વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નહી યોજાય. 
રવિવાર સુધી રાજ્યમાં કુલ 2,76,99,419 લોકોને કોરોના સામેની રસી આપવામાં આવી હતી. 
ઓબીસી ક્વોટાના મુદ્દાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી યોજવા નહીં દેવામાં આવે એવા કૉંગ્રેસના નેતા અને પ્રધાન વિજય વડેટ્ટીવારની જાહેરાત વિશે પૂછવામાં આવતા હસન મુશરીફે કહ્યું હતું કે 70 ટકા વસતીને રસી આપાશે એ બાદ જ ચૂંટણી થશે અને ત્યાં સુધીમાં ઓબીસી ક્વોટાના મુદ્દાનો ઉકેલ પણ આવી જશે. 
શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રના મુદ્દે હસન મુશરીફે કહ્યું હતું કે આ પત્ર રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકારને અસ્થિર કરવાનું ભાજપનું કાવતરું છે. અમારી સરકાર 25 વર્ષ ચાલશે. 
આ પત્રમાં પ્રતાપ સરનાઈકે એમ કહ્યું છે કે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ શિવસેના નેતા અને કાર્યકરોમાં ફૂટ પાડી શિવસેના પક્ષને નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 
હસન મુશરીફે કહ્યું હતું કે બન્ને કૉંગ્રેસ રાજ્યમાં ક્યાંય શિવસેનાને નબળો પાડવાનું કામ કરતી નથી. વાસ્તવમાં બન્ને પક્ષ ઉદ્ધ ઠાકરેની નેતાગિરિ અને આઘાડી સરકારને મજબૂત કરવાનું કામ કરે છે. પ્રતાપ સરનાઈકે અભિનેત્રી કંગના રનૌત અને પત્રકાર અર્ણબ ગોસ્વામી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી ત્યારથી તેઓ ભાજપની નજરમાં આવી ગયા હતા. 
તેમણે કહ્યું હતું કે પત્રમાં પ્રતાપ સરનાઈકે એવો દાવો કર્યો છે કે કેન્દ્રીય તપાસ સંસ્થા મને અને મારા પરિવારને હેરાન કરી રહી છે. જો આ વાત સાચી હોય તો એ ચિંતાની વાત છે. 
તેમણે વધુમાં કહ્યું હતું કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટ સામગ્રી ભરેલું વાહન કોણે પાર્ક કર્યું હતું. એનો ફોડ નૅશનલ આન્વેસ્ટિગેશિન ટીમ શું કામ પાડતી નથી એ સમજાતું નથી.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer