નિ:શુલ્ક રસીકરણના પહેલા જ દિવસે વિક્રમ 69 લાખ લોકોનું થયું વૅક્સિનેશન

નિ:શુલ્ક રસીકરણના પહેલા જ દિવસે વિક્રમ 69 લાખ લોકોનું થયું વૅક્સિનેશન
નવી દિલ્હી, તા. 21 : ભારતમાં સોમવારે વિક્રમી એક જ દિવસમાં 69 લાખ લોકોને કોરોના રસી લગાડવામાં આવી હતી. દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના બધા જ લોકો  માટે કોરોના રસી મફત આપવાના પહેલાં જ દિવસે આ વિક્રમ બન્યો છે.
સરકારે 21મી જૂનથી રસીકરણ કાર્યક્રમને તેજ ગતિ આપવાનું એલાન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે આપવામાં આવેલી જાણકારી મુજબ કોવિડ રસીકરણની નવી સુધારેલી માર્ગદર્શિકા જારી થયાના પહેલા જ દિવસે આ વિક્રમ બન્યો છે.
મંત્રાલયે જણાવ્યું કે, પહેલા દિવસે 69 લાખથી વધુ રસીનાં ડોઝ અપાયા હતા, જે એક દિવસમાં કોવિડ રસી આપવાનો સૌથી મોટો વિક્રમ છે. આ પહેલાં બીજી એપ્રિલના 42 લાખ 61 હજારથી વધુ રસીનાં ડોઝ લગાડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે આ પહેલાં 1લી મેના રસીકરણ નીતિમાં બદલાવ કર્યો હતો અને રાજ્યો પર 18થી 44 વર્ષનાં યુવાઓને રસીકરણને ભાર સોંપ્યો હતો. નવી નીતિ અંતર્ગત કેન્દ્ર સરકારે 75 ટકા રસી ખુદ ખરીદવાનો નિર્ણય લીધો હતો, જ્યારે 25 ટકા ખાનગી ક્ષેત્ર માટે છોડી દીધી હતી.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer