કોરોનાના અંત બાદ જ બધાને લોકલમાં પ્રવાસની છૂટ : વિજય વડેટ્ટીવાર

કોરોનાના અંત બાદ જ બધાને લોકલમાં પ્રવાસની છૂટ : વિજય વડેટ્ટીવાર
મુંબઈ, તા. 21 : મુંબઇમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હોવાથી સામાન્ય નાગરિકોને લોકલમાં પ્રવાસ કયારે શરૂ થશે તે જાણવાની તાલાવેલી જાગી છે. હાલ લોકલમાં પ્રવાસ પર પ્રતિબંધ હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇમાં સામાન્ય નાગરિકો માટે લોકલ કયારે શરૂ થશે એવા પુછાતા વારંવાર સવાલનો જવાબ રાજ્યના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે આપ્યો છે. વડેટ્ટીવારે જણાવ્યું છે કે જ્યાં સુધી કોરોનાનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી મુંબઇની લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોના પ્રવાસ કરવા પર પ્રતિબંધ રહેશે. કોરોનાના દરદીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં મુંબઇમાં લેવલ ત્રણના જ પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે અને સામાન્ય નાગરિકોએ લોકલમાં પ્રવાસ માટે વધુ રાહ જોવી પડશે. 
મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હોવા છતાં સોમવારે પ્રતિબંધોમાં કોઇપણ છૂટ આપવામાં આવી નહોતી. રાજ્ય સરકારના અંદાજ પ્રમાણે મુંબઈનો સમાવેશ હવે લેવલ એકમાં થયો હોવા છતાં નિષ્ણાતોના મત અનુસાર ત્રીજી લહેરની શક્યતાને જોતાં સાવચેતીના પગલારૂપે મુંબઇ પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે લેવલ ત્રણના જ પ્રતિબંધને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer