વિશ્વભરમાં યોગ દિનની ઉજવણી

વિશ્વભરમાં યોગ દિનની ઉજવણી
નવી દિલ્હી, તા. 21 : ભારતની સાથે જ દુનિયાના અલગ અલગ ભાગોમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. જો કે કોરોના મહામારીનાં કારણે આ વર્ષે સાર્વજનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નહોતું. લોકોએ પોતાનાં ઘરોમાં જ રહીને યોગના વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઇન કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 
અમેરિકામાં વ્યાપક રસીકરણના પગલે કોરોના પ્રકોપ લગભગ અદૃશ્ય બની ગયો છે ત્યારે ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર નજીક 3 હજાર જેટલા લોકોએ આજે યોગાભ્યાસ કર્યો હતો. તો ભારતમાં લદ્દાખમાં આઇટીબીપીના જવાનોએ ઉત્સાહ સાથે યોગ કર્યા હતા. ગલવાન ઘાટીથી લઈને પેંગોંગ સરોવર સુધી 18 હજાર ફૂટની ઉંચાઈએ જવાનોએ યોગાભ્યાસ કર્યા હતા. આંધ્રપ્રદેશમાં એનિમલ ટ્રેનિંગ સ્કૂલ ખાતે પણ જવાનોએ ઘોડા સાથે યોગ પ્રદર્શન કર્યા હતા. આવી જ રીતે સીઆરપીએફના જવાનોએ પણ દેશના વિભિન્ન ભાગોમાં યોગ કાર્યક્રમો યોજ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં વહેલી સવારે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને મહારાજા અગ્રસેના પાર્કમાં યોગાભ્યાસના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પાકિસ્તાન અને નેપાળમાં પણ ભારતીય દૂતાવાસ ખાતે એક વિશેષ સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અધિકારીઓએ યોગ કર્યા હતા. ભારતને સતત કનડતાં ચીનને ભારતે આજે યોગ દિવસે આકરો સંદેશો પણ આપ્યો હતો. ભારતીય નૌસેનાનાં જહાજ એરાવત ઉપર આજે સવારે જવાનોએ વિયતનામના કેમરાન્હ બે વિસ્તારમાં યોગાભ્યાસ કર્યા હતા. આ ભારતીય જહાજ એવા ટાણે સાઉથ ચાઇના સી પહોંચ્યું છે જ્યારે ચીન પોતાના પાડોશી દેશો સાથે આ મુદ્દે ગંભીર વિવાદ ઉભા કરી રહ્યું છે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer