કોરોનાના કારણે અમરનાથ યાત્રા રદ

કોરોનાના કારણે અમરનાથ યાત્રા રદ
બાબા બર્ફાનીના આ વર્ષે અૉનલાઇન દર્શન 
નવી દિલ્હી, તા. 21: બાબા બર્ફાનીના દર્શનની ઈચ્છા રાખી અમરનાથ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુને હવે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. કોરોના વાયરસને ધ્યાને લઈને જમ્મુ કાશ્મીર પ્રશાસને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ એલાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કરી દીધું છે. આ સાથે બાબા બર્ફાનીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. 
ઉપરાજ્યપાલ (એલજી) મનોજ સિન્હાએ કહ્યું હતું કે, કોરોનાને ધ્યાને લઈને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમરનાથ યાત્રા ચાલુ વર્ષે પ્રતિકાત્મક રહેશે. તમામ પારંપરિક વિધિ પહેલાની જેમ જ પૂરી કરવામાં આવશે. ઉપરાજ્યપાલે કહ્યું હતું કે, લોકોનું જીવન બચાવવું પણ જરૂરી છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, અમરનાથ શ્રાઇન બોર્ડ કરોડો શ્રદ્ધાળુઓની ભાવના સમજે છે અને તેનું ધ્યાન રાખીને સવારે અને સાંજે આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરરોજ બન્ને આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. 
આ મામલે શ્રાઇન બોર્ડના સીઈઓ નીતિશ્વર કુમારે કહ્યું હતું કે, છડી મુબારક 22 ઓગસ્ટના રોજ પવિત્ર ગુફામાં પહોંચશે. 
આ સાથે જ રક્ષાબંધનના દિવસે અમરનાથ યાત્રાનું સમાપન થશે. તેમણે કહ્યું હતું કે, શ્રદ્ધાળુ www.shriamarnathjishrine.com/aartilive.html, લિંક મારફતે અથવા બોર્ડની મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરથી http://play.google.com/store/apps/details?id=com.ncog.shriamarnath શ્રદ્ધાળુઓ લિંક મારફતે ડાઉનલોડ કરી શકશે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer