મહામારીમાં આશાનું કિરણ છે યોગ

મહામારીમાં આશાનું કિરણ છે યોગ
સાતમા વિશ્વ યોગ દિને વડા પ્રધાને લૉન્ચ કરી એમ-યોગા ઍપ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે કોવિડ-19 સામેના યુદ્ધમાં `યોગ આશાનું કિરણ' બન્યો છે. યોગ આત્મબળનો સ્રોત બન્યો છે. 
તેમણે કહ્યું હતું કે આજે આખું વિશ્વ કોરોનોનો સામનો કરી રહ્યું છે ત્યારે યોગ આશાનું એક કિરણ બની રહ્યો છે... છેલ્લાં બે વર્ષથી વિશ્વના દેશો અને ભારતમાં ભલે મોટા જાહેર કાર્યક્રમો નહીં યોજાયા હોય પરંતુ યોગ દિવસ પ્રત્યે લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી.
તેમણે જણાવ્યું હતું કે માનવજાત પર જોખમ હોય ત્યારે યોગ આપણને સાકલ્યવાદી સ્વાસ્થ્યનો માર્ગ દર્શાવે છે, સુખી જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે. મને વિશ્વાસ છે કે યોગ લોકોના સ્વાસ્થ્યની જાળવણીમાં એની નિવારક અને સકારાત્મક ભૂમિકા ભજવતું રહેશે.
આ કાર્યક્રમમાં વડા પ્રધાને `એમયોગ' ઍપનું લોકાર્પણ ર્ક્યું હતું જે વિશ્વભરમાં ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને ભારતે વધુ એક મહત્ત્વનું પગલું ભર્યું છે. આ ઍપ દ્વારા વિશ્વભરના લોકોને જુદી જુદી ભાષામાં યોગ પ્રશિક્ષણના વીડિયો ઉપલબ્ધ થશે. એ આપણને `વન વર્લ્ડ, વન હેલ્થ'નું આપણું લક્ષ્ય સર કરવામાં મદદ કરશે.
યોગ નિરોગી રહેવામાં મદદ કરે છે એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે હું આગલી હરોળના કર્મચારીઓ અને ડૉક્ટરો સાથે વાત કરું છું ત્યારે તેઓ કહે છે કે તેમણે યોગને વાઈરસ સામે પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું છે. પોતાના જ નહીં પરંતુ તેમના દર્દીઓ માટે પણ તેમણે યોગની મદદ લીધી છે. આજે તબીબી વિજ્ઞાન પણ તબીબી સારવાર સાથે હીલિંગ પ્રોસેસને મહત્ત્વ આપે છે. યોગ સાજા થવામાં મદદ કરે છે એવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વના મોટા ભાગના દેશો માટે યોગ દિવસ તેમનો પ્રાચીન સાંસ્કૃતિક ઉત્સવ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો યોગને ભૂલી શકતા હતા, એને બદલે યોગ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધ્યો છે. અદૃશ્ય કોરોના વાઈરસે  વિશ્વને સકંજામાં લીધું ત્યારે કોઈપણ દેશ સ્રોત, ક્ષમતા અને માનસિક રીતે એના માટે તૈયાર નહોતો. પરંતુ આપણે બધાએ જોયું કે આવા મુશ્કેલ સમયમાં યોગ આંતરિક ઊર્જાનો સૌથી મોટો સ્રોત બન્યો છે.
વડા પ્રધાને કહ્યું હતું કે યોગ આપણને તણાવથી તાકાત અને નકારાત્મકતાથી સકારાત્મકતાનો માર્ગ દર્શાવે છે. યોગમાં ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્યને પણ મહત્ત્વ અપાયું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય `યોગ ફોર વેલનેસ' છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ સાધના કરવા માટે લોકોનું મનોબળ વધારે છે એવું તેમણે જણાવ્યું હતું.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer