સોનિયા ગાંધીએ 24મીએ અલગ બેઠક બોલાવી

સોનિયા ગાંધીએ 24મીએ અલગ બેઠક બોલાવી
ગુરુવારે વરિષ્ઠ નેતાઓ સાથે વર્ચ્યુઅલ વિચારણા
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21 : શરદ પવારના ઘરે આવતી કાલે રાષ્ટ્ર મંચના બેનર હેઠળ વિપક્ષોની બેઠક થવાની છે ત્યારે સતર્ક કૉંગ્રેસ સ્વબળે આગળ વધવાનો પથ નક્કી કરશે એવું લાગી રહ્યું છે. કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ 24 જૂન ગુરુવારે પાર્ટીના સિનિયર નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં આમ તો સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા થશે અને તેમાં પાર્ટીના મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓ પણ સામેલ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કૉંગ્રેસની આ વર્ચ્યુઅલ બેઠકમાં પાર્ટીના પ્રસ્તાવિત સંપર્ક અભિયાનની પણ ચર્ચા થશે.
24 જૂનની બેઠકમાં ઇંધણના ભાવ વધારા અને જીવનાવશ્યક ચીજ-વસ્તુઓની મોંઘવારીના મુદે મોદી સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર થશે અને કોરોના સંબંધી પરિસ્થિતિ અને દેશની આર્થિક હાલતની પણ ચર્ચા કરાશે. આ બેઠક બાદ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષોની બેઠકો પણ થશે. 
સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની આ બેઠક સંસદના ચોમાસુ અધિવેશન અગાઉ બોલાવી છે. જુલાઈમાં સંસદનું અધિવેશન યોજાવાની શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધારા અને મોંઘવારીના મુદે કૉંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી સરકાર પર હુમલા કરી રહી છે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer