ત્રીજા મોરચાની તૈયારી કરે છે શરદ પવાર

ત્રીજા મોરચાની તૈયારી કરે છે શરદ પવાર
આજની બેઠકમાં 15 પાર્ટીના નેતાઓ રહેશે હાજર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મજબૂત જંગ માટે તેમ જ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિપક્ષોની એકતાની શક્યતા તપાસવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે આવતી કાલે યશવંત સિંહાના રાષ્ટ્રીય મંચના બેનર તળે વિપક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનું નક્કી થયું એ અગાઉ આજે સવારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને મળ્યા હતા. પખવાડિયામાં કિશોર સાથે પવારની આ બીજી બેઠક થઈ એ મહત્ત્વની મનાય છે. આ પહેલા 11 જૂને કિશોર મુંબઈમાં પવારના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.
અટલ સરકારમાં નાણાપ્રધાન અને વિદેશપ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વર્ષ 2018માં ભાજપને રામ રામ કરીને રાષ્ટ્ર મંચની સ્થાપના કરી હતી અને મોદી સરકારની નીતિઓના વિરોધમાં તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા સિંહા મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા.
સિંહાના રાષ્ટ્ર મંચના બેનર તળે પહેલી વાર પવારે પોતાના દિલ્હીસ્થિત નિવાસસ્થાને સાંજે ચાર વાગ્યે વિપક્ષોની બેઠક બોલાવી છે. શરદ પવાર અને મમતા દીદી તરફથી સિંહાએ વિપક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે તેને કેવો પ્રતિભાવ મળે છે અને કોણ હાજરી આપશે એના પર સૌની નજર રહેશે. પવાર અને મમતા દીદી આ બેઠકના માધ્યમથી એ તપાસવા માગે છે કે વિપક્ષોની એકતા કેટલી છે અને કઇ પાર્ટી પોતાના કયા ગજાના નેતાને આ બેઠકમાં હાજરી આપવા મોકલે છે તેના પરથી આ વિપક્ષી એકતાનો અંદાજ બાંધવામાં આવે એવી શક્યતા છે.
પવાર અને સિંહા વતી રાષ્ટ્રીય મંચ તરફથી કેટલીક પાર્ટીને પાઠવેલા નિમંત્રણમાં જણાવાયું છે કે હાલમાં દેશની રાજકીય પરિસ્થિતિ વિશે શરદ પવાર અને યશવંત સિંહા સાથે આ બેઠકમાં ચર્ચા-વિચારણા થશે. આ બેઠકમાં હાજર રહેવા તમને નિમંત્રણ છે. કોરોના પ્રૉટોકોલ વચ્ચે વિપક્ષોની આ બેઠક અૉનલાઇન નહીં, પરંતુ પવારના ધરે રૂબરૂમાં મળશે અને આ બેઠકમાં 15 જેટલા વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહેવાની ધારણા છે. હાલમાં આ કોઇ રાજકીય મોરચો નથી, પરંતુ ભવિષ્યમાં ત્રીજો મોરચો આકાર લઇ શકે છે. 
લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી)ના નેતા મનોજ ઝા, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કૉંગ્રેસના નેતા વિવેક તણખા સહિતના કેટલાક નેતાઓને આ નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અગાઉ પણ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તામિલનાડુમાં સત્તાધીશ દ્રવિડ મુનેત્ર કડ્ગમ (ડીએમકે) તરફથી જણાવાયું હતું કે તેમને નિમંત્રણ નથી મળ્યું અને આ બેઠક વિશે કોઇ જાણકારી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મિશન 2024 અંતર્ગત મોદી સામે વિપક્ષના ચહેરાની ચર્ચા થશે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સામે હાલમાં જણાતા અસંતોષની ચર્ચા થશે અને યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિકલ્પની શક્યતા પણ તપાસાશે.
કૉંગ્રેસના નેતાઓ હાજર નહીં રહે 
સાંજે મળતી માહિતી પ્રમાણે પવારના ઘરે રાષ્ટ્ર મંચની બેઠકમાં કૉંગ્રેસ તરફથી કોઈ નેતા હાજરી નહીં આપે. શત્રુઘ્ન  સિંહા અને મનિષ તિવારી સહિતના કૉંગ્રેસના કેટલાક નેતાઓ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં અગાઉ હાજર રહ્યા છે, પરંતુ આ બેઠક પવારના નિવાસસ્થાને મળનારી છે તેથી આ નેતાઓ પણ હાજરી નહીં આપે એમ સૂત્રોએ કહ્યું હતું. આ ઉપરાંત ત્રીજા મોરચાની શક્યતા તપાસવા માટે આ બેઠક મળી રહ્યાંની ચર્ચા હોવાથી કૉંગ્રેસ તેનાથી અંતર જાળવી રાખવા માગે છે, એવું જાણવા મળ્યું હતું.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer