જેટ ઍરવેઝ ફરી ઉડાણ ભરશે

એનસીએલટીએ કાલરોક-જાલાન જૂથની ઠરાવ યોજના મંજૂર કરી
મુંબઈ, તા. 22 : નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની  મુંબઈ ખંડપીઠે કાલરોક કૅપિટલ અને મુરારી લાલ જાલન જૂથની પુનર્ગઠન યોજના (ઠરાવ યોજના)ને મંજૂર કરી છે, આ ઠરાવ યોજના અન્ય મંજૂરીઓને આધિન છે. 
એક અહેવાલ પ્રમાણે જેટ એરવેઝને સ્લોટ ઉપલબ્ધ કરાવવા માટે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અને નાગરી ઉડ્ડયન મંત્રાલયને 22 જૂનથી 90 દિવસનો સમય અપાયો છે. કંપનીના સ્લોટ વિશે સિવીલ એવિએશન નિયામક અંતિમ નિર્ણય લેશે. એક સરકારી અધિકારીએ કહ્યું કે ડીજીસીએ અને નાગરી ઉડ્ડયન મંત્રાલય સ્લોટ વિશે અંતિમ નિર્ણય લેતાં પહેલાં આદેશ ઉપર ઝીણવટપૂર્વક નજર કરશે. સ્લોટ વિશેના નિર્ણયમાં થોડો સમય લાગશે. જેટ એરવેઝને નવા સ્લોટની ફાળવણી વર્તમાન ગાઈડલાઈન્સ પ્રમાણે કરાશે. 
નાણાકીય અછતને લીધે જેટ એરવેઝ 17 એપ્રિલ, 2019થી બંધ પડેલ છે. છેલ્લાં બે વર્ષથી એરલાઈન ઈન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી)ની ઠરાવ યોજના અંતર્ગત હતી. અૉક્ટોબર 2020માં ક્રેડિટર્સની કમિટીએ યુકેની કાલરોક કૅપિટલ અને યુએઈની ઉદ્યોગસાહસિક મુરારી લાલ જાલનના જૂથની ઠરાવ યોજનાને મંજૂર કરી હતી. 
દેવાની ચૂકવણી  કરી નહીં શકતા એરલાઈન 2019માં નાદાર બની હતી. પરિણામે ગયા વર્ષે દુબઈના બિઝનેસમેન મુરારી લાલ જાલન અને કાલરોક કૅપિટલ મેનેજમેન્ટ લિ., લંડનની ફાઈનાન્સિયલ એડવાઈઝરી અને અલ્ટરનેટિવ એસેટ મેનેજરે યોજના તૈયાર કરી હતી. 
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer