સાંકડી રેન્જમાં અથડાયાં સોના-ચાંદી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ ગયો હતો. અગાઉના દિવસમાં 1 ટકાનો સુધારો થયો હતો પણ ડોલરના મૂલ્યમાં આવેલો સુધારો અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો અટકવાથી સોનું 1784 ડોલરની સપાટીએ રનીંગ હતુ. ચાંદીનો ભાવ 25.97 ડોલરની સપાટીએ હતો.ફેડના ચેરમેન જેરોમ પોવેલ બેંકની નાણાનીતિ અંગે મંગળવારે મોડેથી વાતચીત જાહેર કરવાના હતા એ કારણે બુલિયનની ખરીદીમાં સાવચેતી જણાતી હતી. 
ગયા અઠવાડિયામાં ફેડની બેઠક પછી સોનું સાત અઠવાડિયાની નીચી સપાટીએ પહોંચી ગયું હતુ. જોકે એ પછી ભાવ પ્રત્યાઘાતી વધ્યા હતા. છતાં સોનું 1800 ડોલરનું સ્તર ક્રોસ ન કરી શકતા હવે અથડાઇ ગયું છે. ડેઇલી એફએક્સના કરન્સી વિષ્લેષક કહે છે, ફેડ વ્યાજદર અંગે પોતાની વિચારધારા ઝડપથી બદલે એવી શક્યતા દેખાતી નથી. ગયા અઠવાડિયામાં પોવેલે જે પ્રકારે નાણાનીતિ અંગે વાત કરી હતી તેવી જ વાત બહાર આવે તેમ છે. નાણાનીતિ સખ્ત બને ત્યારે સોનું ઘટશે. 
અમેરિકામાં ફુગાવાનો દર પાછલા કેટલાક મહિનાઓમાં નોંધપાત્ર દરથી વધી ગયો છે. વધતા જતા ફુગાવાને લીધે વ્યાજદરમાં સુધારો થશે તેવી ચિંતા બુલિયન બજારને સતાવી રહી છે. ફિલિપ ફ્યુચરના જાણકાર કહે છે,સોનું નિશ્ચિત રેન્જમાં અથડાઇ જાય તેવી પૂરતી શક્યતા છે. અત્યારે દિશાદોરનો અભાવ છે. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો પણ સતત ઘટી રહી છે. મંગળવારે ફંડની અનામતોમાં 0.3 ટકાનો ઘટાડો થયો હતો. 
લગ્નગાળો ધીરે ધીરે શરું થઇ રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં થોડી માગ ખૂલી છે. જોકે હજુ ઝવેરીઓ તેજી-મંદીના વેપારમાં કમાણી થાય તો તેના પર જ આધાર રાખી રહ્યા છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ.70ના સુધારામાં રુ.48750 અને મુંબઇમાં રુ. 151ના સુધારામાં રુ. 47312 હતો. સ્થાનિક બજારમાં એક કિલો ચાંદીનો ભાવ રુ. 200 વધતા રુ. 69000 અને મુંબઇમાં રુ. 68198 રહ્યો હતો. 
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer