પીએનબી હાઉસિંગ ફાઈ.ના કાર્લાઈલ સાથેના વિવાદાસ્પદ પ્રસ્તાવ ઉપર શૅરહોલ્ડર્સનું મતદાન યોજાયું

પીએનબી હાઉસિંગ ફાઈ.ના કાર્લાઈલ સાથેના વિવાદાસ્પદ પ્રસ્તાવ ઉપર શૅરહોલ્ડર્સનું મતદાન યોજાયું
મતદાનનું પરિણામ હમણાં જાણવા નહીં મળે
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 22 : પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના શૅરહોલ્ડર્સએ આજની અસાધારણ માટિંગમાં  820 લાખ ઇક્વિટી શૅર અને 205 લાખ કન્વર્ટિબલ વોરન્ટ્સ કાર્લાઈલ ગુપની સબસિડિયરી કંપની પ્લૂટો ઇન્વેસ્ટમેન્ટસ અને આદિત્ય પૂરીની કંપની સેલીસ્બરી ઇન્વેસ્ટમેન્ટ્સને શૅર દીઠ રૂા. 390 કિંમતે આપવાના બોર્ડના વિવાદાસ્પદ ઠરાવ ઉપર ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ મતદાન કર્યું હતું. 
આ ઠરાવ મંજુર થશે તો પીએનબીની આ સબસિડિયરી કંપનીનો 50.2 ટકા હિસ્સો કાર્લાઈલ ગ્રુપ અને તેના સહયોગીને મળશે અને પીએનબીનો શૅરહિસ્સો 32.2 ટકાથી ઘટીને 20 ટકા થશે. કાર્લાઈલ ગ્રુપ અને તેના સહયોગીઓ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ઉપર વહીવટી અંકુશ મેળવવાની સ્થિતિમાં આવશે. આ વિવાદાસ્પદ શૅર ફાળવણી દ્વારા કંપનીને રૂા. 4,000 કરોડ મળશે. 
જોકે, આજના આ મતદાનનું પરિણામ કે કોણે કેટલું મતદાન કર્યું તેની ટકાવારી  હમણાં જણવા નહીં મળે, કારણ કે સિક્યોરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિ. (એનએસડીએલ)ને આમ નહીં કરવાની સૂચના આપી છે. 
  સોમવારે નિયમનકાર સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ કંપનીને આ પ્રસ્તાવ મુલતવી રાખવા જણાવ્યું હતું. જ્યાં સુધી નિયમ અનુસાર સ્વતંત્ર અને રજિસ્ટર્ડ વેલ્યુઅર દ્વારા શૅરનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી આ પ્રસ્તાવમાં આગળ વધવું નહિ એમ સેબીએ જણાવ્યું હતું. પણ મંગળવારે કંપનીની ઇજીએમ અગાઉ સેટએ સેબીના આદેશને ફગાવીને આ દરખાસ્ત પર વાટિંગ લેવાની કંપનીને મંજૂરી આપી હતી. પણ વાટિંગના પરિણામ જાહેર કરવા પર તેણે પ્રતિબંધ મુક્યો અને વાટિંગ પેપર્સને સીલબંધ અવરમાં રાખવાનો આદેશ આપ્યો હતો. 
આ બનાવે વિવિધ વર્તુળોમાં ચિંતાની લાગણી પેદા કરી છે અને કોર્પોરેટ ગવર્નન્સના કેટલાક મુદ્દાઓ ખડા કર્યા છે. 
સરકારી અધિકારીઓએ મૂલ્યાંકનની પ્રક્રિયાંના ઔચિત્ય વિષે ચિંતા જતાવી હતી. બુક વેલ્યુની સામે ડિસ્કાઉન્ટ પર શૅર જારી કરવામાં આવે છે. તેની યોગ્યતા અંગે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના શૅરની બુક વેલ્યુ રૂા. 540 છે જયારે કાર્લાઈલ અને અન્ય રોકાણકારોને પ્રેફરન્શિયલ શૅર રૂા. 390માં આપવાની કંપનીની દરખાસ્ત છે. 
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કોઈ ખાડે ગયેલી કંપની નથી અને તેના એનપીએ બહુ ચિંતાજનક પણ નથી. આવા સંજોગોમાં કંટ્રોલ ટ્રાન્સેક્શન (બહુમતી શૅર હાંસલ કરવા) કંટ્રોલ પ્રીમિયમ સાથે થવું જોઈએ જે થઇ નથી રહ્યું, એમ એક સીનીઅર સરકારી અધિકારીએ જણાવ્યું હતું. 
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer