ટીસીએસ, ટીડીએસના નવા નિયમથી વેપારીઓ અને ઉદ્યોજકોની પરેશાની વધશે

ટીસીએસ, ટીડીએસના નવા નિયમથી વેપારીઓ અને ઉદ્યોજકોની પરેશાની વધશે
પહેલી જુલાઈથી અમલી બનશે  
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 22 : 1 જુલાઈથી અમલી બનનારા આવકવેરાના કાયદા હેઠળના ટીડીએસ (ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ) અને ટીસીએસ (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) સંબંધી  નિયમોને કારણે વેપારીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોજકોની વ્યવહારુ મુશ્કેલીઓ વધશે એવી ચિંતા વ્યક્ત થઇ રહી છે.  
ઓક્ટોબર 2020માં સરકારે રૂ. 50 લાખથી વધુ કિંમતના માલના વેચાણમાંથી અથવા વેચાણ સામે એડવાન્સ પેટે મળેલી રકમ પર ટીસીએસ વસૂલ કરવાના નિયમનો અમલ શરુ કર્યો. એક નાણાકીય વર્ષમાં જો કોઈ એક ગ્રાહકને રૂ. 50 લાખથી વધુ રકમનો માલ વેચવામાં આવે તો સપ્લાયરે ગ્રાહક પાસેથી ઓક્ટોબર 2020થી ડિસેમ્બર 2020 સુધી 0.075 ટકા અને 1 જાન્યુઆરી 2021થી 0.1 ટકાના દરે તમામ વ્યવહાર પર ટીસીએસ વસૂલ કરવાનો હોય છે. વર્ષે રૂ. 10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને આ નિયમ લાગુ પડે છે.  
હવે 1 જુલાઈથી સરકારે બીજો, નવો નિયમ દાખલ કર્યો છે: એક નાણાકીય વર્ષમાં જો કોઈ એક સપ્લાયર પાસેથી રૂ. 50 લાખથી વધુ રકમનો માલ ખરીદવામાં આવે તો ખરીદદારે સપ્લાયરને આપવાની થતી રકમમાંથી 0.1 ટકાનો ટીડીએસ કાપી લેવાનો હોય છે. વર્ષે રૂ. 10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓને આ (ટીડીએસ વસૂલવાનો) નિયમ લાગુ પડે છે. જો કોઈ સોદામાં ખરીદદારે ટીડીએસ કાપ્યો હોય તો સપ્લાયરે ટીસીએસ કાપવાનો હોતો નથી. 
વેપારી વર્ગની અને ઉદ્યોગજગતની ફરિયાદ છે કે ટીસીએસના અમલમાં પણ અનેક વ્યવહારુ મુશ્કેલીઓ આવે છે. ગ્રાહકો પેમેન્ટ કરતી ટીસીએસ નહિ ચૂકવે એવા ભયથી ઘણા સપ્લાયરો 1 ઓક્ટોબરથી જ ટીસીએસ વસૂલ કરવા લાગ્યા છે. તેમને ડર છે કે જો ગ્રાહક ટીસીએસ નહિ ચૂકવે તો એનો બોજો તેમણે (સપ્લાયરે) ઉઠાવવો પડશે. કેટલાક સપ્લાયરો રૂ. 50 લાખની મર્યાદા પૂરી થવાની રાહ જોયા વગર જ ટીસીએસ વસૂલવા લાગ્યા છે કેમ કે તેમની પાસે ગ્રાહકવાર ટર્નઓવર જાણી શકાય તેવો હિસાબી સોફ્ટવેર નથી. આને કારણે ટીસીએસ વધુ પડતો કપાય છે જેનો પૈસો સરકારમાં જાય છે અને ઉદ્યોગને નાણાભીડનો સામનો કરવો પડે છે. 
આવી પરિસ્થિતિમાં ટીડીએસ દાખલ કરવાથી ગૂંચવાડો વધ્યો છે. ઘણા સપ્લાયરો વેચાણ ઈન્વોઈસ પર ટીસીએસ વસૂલતા હોવાથી ખરીદદારો સમજી શકતા નથીકે કે તેમણે ટીડીએસ કાપવો કે નહિ. કેટલાક ખરીદદારો તેમનું ટર્નઓવર રૂ. 10 કરોડને વટાવી ગયું કે નહીં તે પોતાના સપ્લાયરને જણાવતા નથી. અમુક કિસ્સાઓમાં ખરીદદારો ટીસીએસ ચૂકવતા નથી એટલું જ નહીં સામો સપ્લાયરને ટીડીએસ ચાર્જ કરે છે. આને કારણે તેમની હિસાબી એન્ટ્રીઓમાં ફરક આવે અને વિવાદ સર્જાય તેવી સંભાવના છે.  
`નાના વેપારીઓ અને ધંધાદારીઓ દોઢેક વર્ષથી સ્ટાફની અછત, અવરજવર અને પરિવહન પરના અંકુશો અને `વર્ક ફ્રોમ હોમ`ને કારણે અનેક વહીવટી અને કામકાજ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કાયદાના અટપટા નિયમો અને કરપાલનના બોજના લીધે તેમની હાલત વધુ કફોડી બને છે,` એમ ચેમ્બર ઓફ એસોસિએશન્સ ઓફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડના ઉપપ્રમુખ રાજીવ ખંડેલવાલે જણાવ્યું હતું.  
`ઓછી સરકાર અને વધુ શાસન`, મોદી સરકારની નીતિ છે. પરંતુ ગૂંચવાડાભર્યા કાયદાઓને લીધે તે ઉદ્દેશ માર્યો જાય છે. સરકારે નિયમો સરળ બનાવવા અને કરપાલન સુગમ બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે` એમ તેમણે ઉમેર્યું હતું.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer