સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા દેશી તેલની માગ વધી

મુંબઈ, તા. 22 : મોટી તેલ કંપનીઓ નહોતી અને તેલ આયાત થતું નહોતું ત્યારે લોકો ઘાણીના તેલ પર નિર્ભર રહેતા હતા. પરંતુ બદલાતા સમય સાથે ઘાણીઓ અદૃશ્ય થઈ ગઈ અને તેલ કંપનીઓ વધતી ગઈ. આજે બજારમાં તેલ કંપનીઓનું વર્ચસ છે. પરંતુ કોરોનાને કારણે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે અને ફરી એકવાર ઘાણીના તેલ તરફ વળવા લાગ્યા છે એવું અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને `કૈટ'ના મહાનગર અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું. 
શંકર ઠક્કરે જણાવ્યું છે કે લોકો શરીરને નુકસાન પહોંચાડતા રિફાઈન્ડ ઓઈલને બદલે ઘાણીના તેલની માગ કરવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે આજે અળસીના તેલે શીંગ તેલને પણ પછાડી દીધું છે. ઘાણીમાં શીંગતેલ 250થી 280 રૂપિયા લીટરે મળી રહ્યું હતું જ્યારે અળસીનું તેલ 350થી 380 રૂપિયા લીટરે વેચાઈ રહ્યું છે.  સરસવનું તેલ પણ લીટર દીઠ 290ના ભાવે વેચાઈ રહ્યું છે. લોકોની ડિમાન્ડ વધવાને કારણે ઘાણીના તેલની દુકાનોની સંખ્યા પણ વધવા લાગી છે. પરંપરાગત તેલ ભલે 170થી 180 રૂપિયાના ભાવે મળી જાય પરંતુ લોકો ઘાણીના તેલનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. સંગઠનના મહામંત્રી તરુણ જૈને પણ કહ્યું હતું કે તલનું તેલ સૌથી મોંઘું, લીટર દીઠ 450 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. લોકો રોગપ્રતિકાર શક્તિ સુદૃઢ કરવા માટે પરંપરાગત ખાદ્યપદાર્થો તરફ વળ્યા છે. આથી પોષક તત્ત્વોથી ભરપૂર ઘાણીમાં તૈયાર તેલની માગ હવે વધવા લાગી છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer