મલાડ અને કોલાબામાં પ્રદૂષણ વધ્યું

મુંબઈ, તા. 22 : આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈના પ્રદૂષણમાં વધારો થયેલો જોવા મળ્યો છે. `સફર'ના નિરીક્ષણ મુજબ મુંબઈમાં કોલાબા અને મલાડના પ્રદૂષણનો નિર્દેશાંક સોમવારે `ખરાબ'ની શ્રેણીમાં નોંધાયો હતો. બોરીવલી, ભાંડુપ અને ચેમ્બુરમાં આ સ્તર મધ્યમ  હતું. વરલી અને અંધેરીનું ટેક્નિકલ કારણોસર પ્રદૂષણનું સ્તર નોંધી શકાયું નથી.
કોલાબા અને મલાડ આ બંને ઠેકાણે પીએમ 2.5નો નિર્દેશાંક `ખરાબ'ની શ્રેણીમાં નોંધાયો છે. ચેમ્બુર, ભાંડુપ, બોરીવલીમાં પણ પીએમ 2.5ના નિર્દેશાંકમાં વધારો થયો છે. જોકે, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં સોમવારે પીએમ 10 અને પીએમ 2.5 આ બંને નિર્દેશાંક 100ની એટલે કે સંતોષજનક શ્રેણીમાં હતા. આવું જ નિરીક્ષણ મઝગાંવમાં પણ નોંધાયું છે.
ઘણીવાર `સફર' અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળના આંકડામાં તફાવત હોય છે. આથી પ્રદૂષણનો ચોક્કસ અંદાજ મળતો નથી. તાજેતરમાં જ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ, આઈઆઈટી કાનપુર અને બ્લૂમબર્ગ ફિલૅન્થ્રોફીઝના માધ્યમથી એક ચર્ચાસત્રનું આયોજન કરાયું હતું. એમાં ઓછી કિંમતના સેન્સર ઉપયોગી નીવડી શકે છે એવું પ્રદૂષણ નિયંત્રણ મંડળના અધ્યક્ષ સુધીર શ્રીવાસ્તવે જણાવ્યું હતું. આઈઆઈટી કાનપુરના પ્રાધ્યાપક એસ. એન. ત્રિપાઠીએ સેન્સર અને અગાઉ સિસ્ટમનો સંયુક્તપણે ઉપયોગ કરવાની જરૂર વ્યક્ત કરી હતી. 
પ્રદૂષણમાપનમાં તફાવત
રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ મંડળના માધ્યમથી ઓછી કિંમતના 40 સેન્સર અભ્યાસ માટે બેસાડવામાં આવ્યાં હતાં. આ અભ્યાસ નવેમ્બર 2020થી મે 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં કાર્યરત પ્રદૂષણ માપકની બાજુમાં જ આ સેન્સર બેસાડવામાં આવ્યાં છે. એમાં કોલાબા, વરલી, સાયન, બાંદરા, વિલે પાર્લે, કુર્લા, આંતરરાષ્ટ્રીય વિમાનમથક, પવઈ, કાંદિવલી, બોરીવલી, મુલુંડ, મ્હાપે, નેરુલ, કલ્યાણ અને વસઈનો સમાવેશ થાય છે. બંને સિસ્ટમમાં ત્રણ પદ્ધતિના સેન્સરમાં 15 ટકા ફરક તો એક પ્રકારના સેન્સરમાં 20 ટકા ફરક જોવા મળ્યો હોવાનું પ્રદૂષણ નિયંત્રણ મંડળે સ્પષ્ટ ર્ક્યું છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer