શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ મહિલાએ કરેલા આક્ષેપો અંગે પોલીસ અહેવાલ આપે

મુંબઈ વડી અદાલતે આપ્યો આદેશ
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : શિવસેનાના સાંસદ સંજય રાઉત અને છૂટા થયેલા પતિના ઈશારે કોઈક વ્યક્તિ પોતાનો પીછો કરે છે અને સતામણી કરે છે એવા 36 વર્ષની મહિલાના આક્ષેપ અંગે મુંબઈ વડી અદાલતે મુંબઈના પોલીસ આયુક્તને આ બાબતની તપાસ કરીને 24મી જૂન સુધીમાં અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે.
આ મહિલાના ધારાશાસ્ત્રી આભાસિંહે વડી અદાલતમાં જણાવ્યું હતું કે વ્યવસાયે માનસશાસ્ત્રી આ મહિલા પીએચ.ડી.ની નકલી ડિગ્રી ધરાવે છે એવા આરોપસર તેની બિનદખલપાત્ર ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને તેઓ દસ દિવસથી જેલમાં છે. તેમણે આ અરજી નોંધાવી પછી આખું પોલીસ તંત્ર જાણે તેમની પાછળ પડયું છે. આ બાબત કિન્નાખોરી અને બદઈરાદાભર્યું કૃત્ય સમાન છે. તેથી પોલીસ આયુક્ત મહિલાની ફરિયાદ ઉપર ધ્યાન આપીને યોગ્ય પગલાં ભરે. તેનો અહેવાલ 24મી જૂન સુધીમાં આ કોર્ટને આપવામાં આવે. ઉપરાંત મહિલા પોતાની ધરપકડને પડકારવા માટે અલગ અરજી કોર્ટમાં નોંધાવી શકે છે એમ ન્યાયાધીશોએ ઉમેર્યું હતું.
આ મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે તેણે વર્ષ 2013 અને 2018માં પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અત્યાર સુધી પોતાની વિરુદ્ધ ષડ્યંત્ર ઘડનારાઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યાં નથી.
અહીં ઉલ્લેખનીય છે કે ગત માર્ચ માસમાં આ અરજીની સુનાવણી થઈ ત્યારે સંજય રાઉતના ધારાશાસ્ત્રી પ્રસાદ ધાકેફલકરે અરજીનો વિરોધ કર્યો હતો અને આક્ષેપોને નકાર્યા હતા. ધાકેફલકરે જણાવ્યું હતું કે અરજદાર શિવસેનાના નેતા સંજય રાઉતના પરિવાર મિત્ર અને દીકરી સમાન છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer