એમેઝોન, ફ્લિપકાર્ટના સેલ પર પ્રતિબંધનો કેન્દ્રનો ઈનકાર

ઈ કૉમર્સ પર ડિસ્કાઉન્ટ, ફલેશ સેલ રાબેતા મુજબ ચાલુ રહેશે
નવી દિલ્હી, તા. રર : એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓના ડિસ્કાઉન્ટ-ફલેશ સેલ પર રોક લગાવવા કેન્દ્ર સરકારે ઈન્કાર કર્યો છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તે રાબેતા મુજબ ચાલુ રહેશે.
આ પહેલા એવા અહેવાલ હતા કે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ખોટી રીતે ભારે ડિસ્કાઉન્ટ, આકર્ષક ઓફરો અને મિસ સેલિંગ પર લગામ કસવા સરકાર નિયમોમાં બદલાવ કરવા જઈ રહી છે જેથી ફલેશ સેલ પર રોક લાગી જશે. પરંતુ ગ્રાહક બાબતના મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે આવું કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. ઈ કોમર્સ પર ડિસ્કાઉન્ટ-સેલ જારી રહેશે. સરકાર તેના પર રોક લગાવવા જઈ રહી નથી. ફલેશ સેલની આડમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કે નકલી કંપનીઓ પર રોક લગાવવા નવા ડ્રાફટ રૂલમાં જોગવાઈ છે.  જો કે નિયમો હજુ ફાઈનલ કરાયા નથી.
કેન્દ્રએ વધુમાં ખુલાસો કર્યો કે દરેક ફલેશ સેલની તપાસ કરવામાં નહીં આવે. જે અંગે ફરિયાદ આવશે તેની જ તપાસ કરાશે. ડ્રાફટ અનુસાર દરેક પ્રોડકટની આયાત અને ઉત્પાદનની સંપૂર્ણ માહિતી આપવી પડશે. ઈ કોમર્સ કંપનીઓએ આયાતના સોર્સની માહિતી આપવી પડશે. પ્રોડકટ કયા દેશમાંથી મંગાવવામાં આવી છે તે જણાવવું પડશે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer