ફક્ત બે દિવસનું સત્ર યોજીને આઘાડી સરકાર લોકોના પ્રશ્નોથી પલાયન થવા માગે છે : ભાજપ

વિધાનગૃહોનું ચોમાસું સત્ર પાંચમી અને છઠ્ઠી જુલાઈએ યોજાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં કોરોનાના ઉપદ્રવને પગલે રાજ્ય સરકારે વિધાનગૃહોના આવતી પાંચમી જુલાઈથી શરૂ થતાં અધિવેશનને માત્ર બે દિવસ પૂરતું સીમિત રાખવાનો નિર્ણય લીધો છે. સત્ર માત્ર બે દિવસ પૂરતું સીમિત રાખવાના નિર્ણયની ભાજપએ આકરી ટીકા કરી છે.
મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાસક અને વિપક્ષી નેતાઓની હાજરીમાં આજે મળેલી ગૃહના કામકાજ અંગેની સમિતિની બેઠકમાં પાંચમી અને છઠ્ઠી જુલાઈના કામચલાઉ સમયપત્રક વિશે ચર્ચા થઈ હતી. આગામી બેઠકમાં તે સમયપત્રને અંતિમ રૂપ આપવામાં આવશે. વિધાન ભવનમાં પ્રવેશવા ઇચ્છુકોએ કોરોનાની રસીના બે ડૉઝ લીધા હોય તો પણ તેઓએ આરટી-પીસીઆર ટેસ્ટ લાવવો જરૂરી છે. વિધાન ભવનમાં પણ ત્રીજી અને ચોથી જુલાઈએ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. પ્રધાનો પોતાની સાથે માત્ર એક જ વ્યક્તિને લાવી શકશે જ્યારે સામાન્ય નાગરિકોના પ્રવેશવા ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે.
મહાવિકાસ આઘાડી સરકાર વિધાનગૃહોનું ચોમાસું અધિવેશન માત્ર બે દિવસ માટે યોજીને સામાન્ય નાગરિકોને મૂંઝવતા પ્રશ્નો અને લોકતાંત્રિક પ્રક્રિયાથી પલાયન થઈ જવા માગે છે. એમ ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
વિધાનગૃહોનાં કામકાજ અંગેની સલાહકાર સમિતિની બેઠક પછી ફડણવીસે જણાવ્યું હતું કે `આઘાડી' સરકાર દ્વારા માત્ર બે દિવસ માટે વિધાનગૃહોનું અધિવેશન યોજવાના નિર્ણયના વિરોધમાં ભાજપના નેતાઓએ સભાત્યાગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો સહિત નાગરિકોની મુશ્કેલીઓને વાચા આપવા બે દિવસ ખૂબ જ અલ્પ સમય છે. સામાન્ય નાગરિકોની તકલીફોને વાચા આપવા હવે કોઈ જગ્યા બચી નથી. `અઘાડી' સરકારે લોકતાંત્રિક પ્રક્રિયાને `સર્કસ'માં ફેરવી નાખી છે.
ભાજપ સાથે સમજૂતી કરવા શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્ર અંગે પુછાતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, આ પક્ષની આંતરિક બાબત છે. તેની સાથે ભાજપને કંઈ લેવાદેવા નથી. અમારો પક્ષ `અઘાડી' સરકારને ઉથલાવી પાડવામાં રસ ધરાવતો નથી. શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડીની સરકાર પોતાના `આંતરિક ભાર'થી જ તૂટી પડશે એમ ફડણવીસે ઉમેર્યું હતું.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer