જૂન અંત સુધી ચોમાસાની પ્રગતિ ઢીલી રહેશે

સારી શરૂઆત પછી વરસાદનું જોર ઘટ્યું 
નવી દિલ્હી, તા. 22 : સારી શરૂઆત પછી ચોમાસાની પ્રગતિ આગામી થોડા દિવસોમાં ઢીલી રહેશે, એમ વેધશાળા અૉફિસે જણાવ્યું છે. જૂનના અંત સુધી વરસાદનું જોર ઓછું રહેવાનો સંભવ છે, એમ જાણવા મળે છે. જૂનની શરૂઆતથી વરસાદે અત્યંત સારી પ્રગતિ કરી હતી. 
અત્યારે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તેમ જ પંજાબના કેટલાક વિસ્તારો છે જ્યાં વરસાદ શરૂ થયો નથી. બાકીના તમામ વિસ્તારોમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. 
19 જૂનથી ઢીલા પડી ગયેલા ચોમાસાને લીધે મધ્ય અને ઉત્તર ભારતમાં તાપમાનમાં પણ વધારો થયો છે. 
દેશના વાયવ્ય અને તેની આજુબાજુના વિસ્તારોમાં આવતા ત્રણ દિવસમાં તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે, એમ ઇન્ડિયા મિટિઓરોલોજી વિભાગે મંગળવારે કહ્યું હતું. 
દિલ્હીમાં મહિનાના અંત સુધી ગરમી રહેશે અને તેમાં રાહત મળવાની શક્યતા નથી. જૂનમાં દિલ્હીમાં 30 સેલ્સિયસની આસપાસ તાપમાન રહ્યું છે. 
22 જૂન સુધી ઘણો વરસાદ નોંધાયો છે, એમ આઈએમડીએ કહ્યું હતું. અત્યાર સુધીમાં 37 ટકા વિસ્તારોમાં વધુ પડતો વરસાદ થયો છે.  આ વર્ષે ચોમાસુ કેરળમાં બે દિવસ મોડું, 3 જૂને શરૂ થયું હતું. પણ પછીના સમયમાં તેની પ્રગતિ ઝડપી રહી હતી.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer