ઝૂંપડાવાસીઓને રસી મળે એ માટે દાતા આગળ આવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : ગયા વર્ષે મુંબઈમાં કોરોના ફેલાયો ત્યારે ઝૂંપડપટ્ટીમાં આ ચેપી રોગ સૌ પ્રથમ મુલુન્ડની ઈન્દિરા નગરની ઝુંપડપટ્ટીમાં ફેલાયો હતો. સોમવારે આ ઝૂંપડપટ્ટીમાં રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થતાં આ ગીચ વિસ્તારના લોકો હવે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. પાલિકાની રસીકરણની ઝુંબેશ અત્યારે બધા માટે નથી એટલે આ વિસ્તારમાં ખાનગી હૉસ્પિટલો અત્યારે લોકોને રસી આપી રહી છે અને દાતાઓને કારણે એ શક્ય બન્યું છે. મુંબઈની અનેક ઝૂંપડપટ્ટીમાં દાતાઓની મદદથી રસીકરણની ઝુંબેશ અત્યારે ચાલી રહી છે. 
મુલુન્ડની ઝૂંપડપટ્ટીમાં રસીકરણનું આયોજન સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચાએ કર્યું છે. તેઓ કહે છે કે અમારી યોજના 18 વર્ષથી ઉપરના દસ હજાર ઝૂંપડાવાસીઓને રોજ રસી આપવાની છે. અમે ઈન્દિરા નગર નંબર બે ઝૂંપડપટ્ટીમાં રસીકરણની શરૂઆત કરી છે અને મારા મતદાર સંઘમાં અન્ય ઠેકાણે પણ આ ઝુંબેશ લઈ જવી છે. સોમવારે રસીકરણની ઝુંબેશ શરૂ થઈ ત્યારે ઘણા ઝૂંપડાવાસી રસી લેવા ખંચકાતા હતા, પણ મારા કાર્યકરોએ તેમને રસી લેવા મનાવ્યા હતા. 
એક રસીના ડોઝના 780 રૂપિયા છે અને એ માટે મદદ કરવા મિહિર કોટેચાએ દાતાઓને અપીલ કરી હતી અને તેમણે 24 કલાકમાં દસ લાખ ભેગા પણ કરી બતાવ્યા હતા. 
કફ પરેડની ગણેશ મૂર્તિ નગર, શિવ શક્તિ નગર અને મછીમાર નગર ઝૂંપડપટ્ટીમાં પણ રસી ઝુંબેશનો પ્રારંભ થયો છે. સ્થાનિક નગરસેવિકા હર્ષિતા નાર્વેકરે કહ્યું હતું કે પાંચ હજાર રસી માટે આર્થિક મદદના વચન દાતા પાસેથી મળી ગયા છે. ઝૂંપડપટ્ટીમાં ઈન્ટરનેટની સમસ્યા હોય છે એટલે અમે નરિમાન પોઈન્ટના અશોક હૉલમાં બધાને રસી આપવાનું નક્કી કર્યું છે. 
અંધેરીમાં વિધાનસભ્ય અમિત સાટમે કહ્યું હતું કે કપાસવાડીની નહેરુનગર વિસ્તારની ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને જુહુની વિદ્યાનિધિ હાઈ સ્કૂલમાં રસી 25 અને 26 જૂનના આપવામાં આવશે. અમે રસી આપતા પહેલા રજિસ્ટ્રેશન ઝુંબેશ ચલાવી હતી અને દાતાઓ પાસેથી 16 લાખ જેવી માતબર રકમ પણ ભેગી કરી હતી. આ પૈસામાંથી અમે બે હજાર જેટલા લોકોને રસી આપીશું. 
નગરસેવિકા નેહલ શાહે રસીનો બગાડ ન થાય એ માટે નવીન ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે તાજેતરમાં માટુંગામાં રસી શિબિરનું આયોજન કરેલું. રજિસ્ટર કરાવેલા લોકો આ શિબિરમાં ન આવતા તેમણે આ લોકોને તેમના રસીના ડોઝ ગરીબોને આપવાની સલાહ આપી આપી મનાવી લીધેલા. તેમણે કહ્યું હતું કે ઘણાએ હા પાડી હતી.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer