કાઢાના વધુપડતા સેવનથી ફીસર પણ થાય છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 :  કોરોના કાળમાં વધુપડતો કાઢો પીનારા, વિટામિન અને એન્ટિબાયોટિકની ગોળી પ્રમાણ કરતાં વધુ લેનારાએ સંભાળવાની જરૂર છે. આના વધુ સેવનથી ગુદ્દા ભાગમાં ચીરા પણ પડે છે. આ પ્રકારના અનેક કેસ કોરોનાના સંદિગ્ધ દરદી અને કોરોનાગ્રસ્તોમાં જોવા પણ મળ્યા છે. 
પ્રોક્ટોલોજિસ્ટ ડૉ. અશ્વિન પોરવાલ કહે છે કે 10 એપ્રિલ અને 20 મે વચ્ચે અમે આવા 481 લોકોનો ઉપચાર કર્યો હતો. આ દરદી કાં તો કોરોનાના સંદિગ્ધ દરદી અથવા કોરોનાના પેશન્ટો હતા. આ જ ગાળમાં જેમને કોરોના ન થયો હોય એવા બીજા 223 દરદીનો પણ ઉપચાર કરેલો. તેમને ગુદ્દાના ભાગમાં ચીરા પડયા હતા. 
તેમણે કહ્યું હતું કે 481 પેશન્ટ્સમાંથી અમુકે વધુપડતા કાઢાનું સેવન કરેલું, અમુકે વિટામિન અને એન્ટિ બાયોટિક્સની ગોળીઓ પોતાની રીતે ખરીદીને ખાધેલી. આ ઉપરાંત તેઓ ડૉક્ટરે લખી આપેલી દવા તો લેતાં જ હતા. કાઢાના વધુપડતા સેવનથી હાઈપર એસિડિટી, આંતરડાંમાં અને પેટમાં ભારે બળતરા અને દુખાવો પણ થઈ શકે છે. કાઢો ગરમ હોવાથી ઝાડા કે કબજિયાત થવાનું પણ જોખમ છે. ઝાડા, કબજિયાત અને ગૅસને કારણે ગુદ્દામાં ચીરા પણ પડી શકે છે. 
અન્ય ડૉક્ટરો પણ આ વાત સાથે સહમત થાય છે. ફિઝિશિયન અક્ષય સોનોણે કહે છે કે કોરોના ઘણા સંદિગ્ધ અથવા કન્ફર્મ્ડ પેશન્ટોના ગુદ્દામાં ચીરા પડ્યા હોય એવા કેસો સામે આવ્યા છે. મેં અત્યાર સુધી કોરોનાના 1000 દરદીનો ઉપચાર કર્યો છે. કોરોનાની હિસ્ટરીવાળા રોજ પાંચ-છ એવા પેશન્ટો મારી પાસે આવે છે જેમના ગુદ્દામાં ચીરા પડ્યા હોય અને લોહી પણ નીકળતું હોય. 
ડૉ. પોરવાલ કહે છે કે વધુપડતી વિટામિન ડીની ગોળી લેવાથી કબજિયાત થઈ શકે છે. એટલે કઠણ મળને કારણે ગુદ્દામાં ચીરા પડવાનું જોખમ છે. વિટામિન સી કે ઝિન્ક વધુ લેવાથી ઝાડા થઈ શકે છે અને વારેઘડી શૌચ જવાથી પણ ગુદ્દામાં ચીરા પડી શકે છે.  એન્ટિ બાયોટિક્સ ગોળીના વધુ પડતા સેવનથી શરીરમાંના તંદુરસ્ત ગટ બેક્ટેરિયાને હાનિ પહોંચી શકે છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer