ત્રણ મહિના બાદ કોરોનાનો પ્રકોપ કાબૂમાં

ત્રણ મહિના બાદ કોરોનાનો પ્રકોપ કાબૂમાં
દૈનિક સંક્રમિતો 50 હજારથી નીચે; સક્રિય કેસ સાત લાખથી ઓછા
નવી દિલ્હી, તા. 22 : દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતા 24 કલાકમાં દેશમાં 91 દિવસના લાંબા ગાળા બાદ પહેલી વખત 50 હજારથી ઓછા 42,640 કેસ સામે આવ્યા હતા તે સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 2,99,77,861 થઈ હતી. એ જ રીતે 79 દિવસના અંતર પછી સક્રિય મામલાઓની સંખ્યા પણ સાત લાખથી ઓછી થઈ છે. એક તરફ કેસ ઘટતા બજારો અને રસ્તાઓ પર ભીડ વધી રહી છે આવામાં સામાન્ય બેદરકારી ભારે પડી શકે છે, માટે જ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સતત સલાહ આપવામાં આવી રહી છે. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડાઓ અનુસાર દેશમાં 68દિવસ બાદ સૌથી ઓછાં 1167 કોરોના દર્દીનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 3,89,302 થયો હતો.
મંત્રાલય અનુસાર દેશમાં વીતેલા 24 કલાકમાં વિક્રમી 86.16 લાખ લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી હતી. દુનિયામાં ક્યાંય પણ એક દિવસમાં આટલા ડોઝ આપવામાં આવ્યા નથી. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 28.87 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. 
દેશમાં ઉપચારાધીન દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જારી છે. વીતેલા 24 કલાકમાં આ સંખ્યા 6,62,521 થઈ હતી જે કુલ મામલાના 2.21 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 96.49 ટકા થયો છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer