પરેશાન મુંબઈગરા પૂછે છે-લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે?

પરેશાન મુંબઈગરા પૂછે છે-લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે?
મુંબઈ, તા. 22 : કોરોના સંકટમાં સરકારી આવક વધારવા માટે પેટ્રોલ-ડીઝલ પર તોતિંગ ટૅક્સ લગાડવામાં આવ્યો છે. ઈંધણનું વેચાણ થાય એ માટે મુંબઈ ગ્રુપ-1માં આવ્યું હોવા છતાં લેવલ-3ના પ્રતિબંધ યથાવત્ રાખ્યા હોવાથી સામાન્યજનો લોકલટ્રેનમાં પ્રવાસ કરી શકતા નથી. આથી સંતપ્ત મુંબઈગરાઓ લોકલ ટ્રેનો બધા માટે તાત્કાલિક શરૂ કરવાની માગણી કરી રહ્યા છે.
રાજકીય ઉદ્ઘાટનો અને મિટિંગોમાં ભીડ ઉમટે છે. તો સામાન્યજનો માટે સસ્તા પ્રવાસનાં સાધન સમી લોકલ ટ્રેનો શરૂ કરતી વખતે જ ગર્દીના માપદંડ શા માટે લગાડવામાં આવે છે? આખા રાજ્યમાં `સ્તર' મુજબ પ્રતિબંધમાં રાહત આપવાનું શરૂ કરાયું છે તો લોકલ ટ્રેન બાબતે તદન અલગ માપદંડ અને વ્યવહાર શા માટે? ખરેખર, ગર્દીનો ડર છે કે બીજો કોઈ ડર છે? એવા સવાલ મુંબઈગરા કરી રહ્યા છે. લોકલ ટ્રેનો શરૂ થયા સિવાય મુંબઈમાં રોજિંદો વ્યવહાર પૂર્ણ ક્ષમતાથી શરૂ થઈ શકે નહીં એની જાણ હોવા છતાં લોકલ ટ્રેન પર પ્રતિબંધ યથાવત્ રાખવા એ રાજકીય ષડયંત્ર હોવાનું રેલવે પ્રવાસી મહાસંઘનું કહેવું છે. એશિયાની સૌથી સમૃદ્ધ મુંબઈ મહાપાલિકા સાથે અન્ય પાલિકાની ચૂંટણીઓ પણ આગામી સમયમાં યોજાવાની છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોના સંકટને કારણે કરોડો રૂપિયાની આવક ડૂબી છે. આવનારી ચૂંટણીઓ માટે અૉઈલ કંપનીઓ પાસેથી ભંડોળ મળી રહે તે માટે આ બધું ચાલી રહ્યં છે કે શું? એવી શંકા પણ પ્રવાસીઓ દ્વારા વ્યક્ત થઈ રહી છે. મુંબઈમાં અૉફિસો-પેઢીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ નોકરિયાતોને કાર્યાલય સુધી પહોંચવા માટે સસ્તી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ થઈ નથી. આવી જ સ્થિતિ રહેશે તો સમાજમાં મોટી અવ્યવસ્થા નિર્માણ થશે. સસ્તો અને ઝડપી પ્રવાસનો માર્ગ વહેલી તકે ખોલવાની માગણી પ્રવાસી સંગઠનોએ કરી છે.
એસી લોકલ માટે 9-3ની ફૉર્મ્યુલા
એસી લોકલ માટે રેલવે બોર્ડના માર્ગદર્શન હેઠળ મધ્ય અને પશ્ચિમ રેલવેએ પ્રવાસી સર્વેક્ષણ શરૂ ર્ક્યું છે. એસી ટ્રેનને લોકપ્રિય કરવા માટે નવ ડબા સાદા અને ત્રણ ડબા એસી રાખવાની ફૉર્મ્યુલા યોગ્ય છે. ફર્સ્ટ ક્લાસનો કૉચ એસી તરીકે ચલાવવો જોઈએ. શરૂઆતમાં ટિકિટના દર સરખા રાખવા અને અમુક સમય બાદ એસીના ટિકિટ દરમાં વધારો કરવાનાં સૂચનો રેલવે પ્રવાસી સંગઠને કર્યાં છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer