મુંબઈમાં કોરોનાના કેસો બમણા થવાનો દર 722 દિવસ થયો

મુંબઈમાં કોરોનાના કેસો બમણા થવાનો દર 722 દિવસ થયો
મહારાષ્ટ્રમાં કોરોનાના 1,23,340 એક્ટિવ દરદીઓ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 570 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,22,461ની થઈ ગઈ છે. 
સોમવારે મુંબઈમાંથી 521, રવિવારે 733, શનિવારે 696 અને શુક્રવારે 762 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 10 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,315નો થઈ ગયો છે. અત્યારે 14,453 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 742 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,90,417ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ છેલ્લા 19 દિવસથી 95 ટકા પર સ્થિર છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 722 દિવસનો થઈ ગયો છે. 
મંગળવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 8470 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 59,87,521ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,23,340 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
સોમવારે રાજ્યમાંથી 6270, રવિવારે 8912, શનિવારે 8912 અને શુક્રવારે 9798 નવા કેસ મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 188 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યનો મૃત્યુ દર 1.98 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9043 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 57,42,258 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 95.09 ટકા છે. 
રાજ્યમાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી મુંબઈ શહેરમાં છે.
કાંદિવલી રસી કૌભાંડ : તબીબ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં કાંદિવલી (પશ્ચિમ)માં હીરાનંદાની સોસાયટીમાં કોરોનાની નકલી રસી આપવાના પ્રકરણમાંના આરોપી ડૉ. મનીષ ત્રિપાઠીએ સેશન્સ કોર્ટમાં આગોરતા જામીન માટે અરજી નોંધાવી છે. ડૉ. ત્રિપાઠીએ ગત 15મી જૂને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ડૉ. ત્રિપાઠીએ આક્ષેપ કર્યો છે કે કાંદિવલી સ્થિત ખાનગી હૉસ્પિટલના વગદાર અને ઊંચા સંપર્ક ધરાવતા માલિકને પોલીસ છાવરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે કાંદિવલી પછી વરસોવા અને ખાર પોલીસ સ્ટેશનોમાં પણ અનધિકૃત રીતે રસી આપવાનાં પ્રકરણો અંગે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.
મુંબઈમાં કોરોના અંગેનાં નિયંત્રણો 27મી જૂન સુધી યથાવત્
મુંબઈ મહાપાલિકાએ સોમવારે આદેશ બહાર પાડીને કોરોનાના ઉપદ્રવને કારણે મૂકવામાં આવેલાં નિયંત્રણો આવતી 27મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે એમ જણાવ્યું છે. મુંબઈમાં વસ્તીની ઘનતા વધુ હોવાની અને કોરોનાની ત્રીજી લહેરના જોખમને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer