પહેલી-બીજી લહેરમાં જે ભૂલો કરી તે ત્રીજીમાં ન કરતાં

પહેલી-બીજી લહેરમાં જે ભૂલો કરી તે ત્રીજીમાં ન કરતાં
કોરોના મામલે કૉંગ્રેસના શ્વેતપત્રમાં કેન્દ્રને ટકોર
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. રર : કોરોના મહામારી અંગે કેન્દ્ર સરકારની વ્યવસ્થા મામલે રાહુલ ગાંધીએ મંગળવારે કોંગ્રેસ વતી એક શ્વેત પત્ર જારી કરી મોદી સરકારને ટકોર કરી કે કોરોનાની ત્રીજી લહેરના સંભવિત ખતરાને ધ્યાને લઈ અત્યારથી જ પુરી તૈયારી કરવામાં આવે અને રસીકરણ ઝડપી બનાવવામાં આવે. પહેલી અને બીજી લહેરમાં જે ભૂલો કરી તેનું ત્રીજીમાં પુનરાવર્તન ન થાય.
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માગ કરી કે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને આર્થિક મદદ કરવી જોઈએ તથા કોરોનાથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે કોવિડ વળતર કોષ સ્થાપિત કરવો જોઈએ. કોંગ્રેસના શ્વેત પત્રમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સરકારે કરેલી ભૂલો અને ગેરવ્યવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે કોરોના નિયંત્રણ મામલે પગલાંઓની સમીક્ષા માટે સર્વપક્ષીય સમીતિ, ગરીબોને આર્થિક મદદ, કોવિડ અસરગ્રસ્ત પરિવારોને 4-4 લાખ તથા રાજ્યોને યોગ્ય માત્રામાં કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા ભલામણ કરી છે.  
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer