વડા પ્રધાનને સલાહ આપવા કરતાં કૉંગ્રેસ શાસિત રાજ્યો પર ધ્યાન આપો

વડા પ્રધાનને સલાહ આપવા કરતાં કૉંગ્રેસ શાસિત રાજ્યો પર ધ્યાન આપો
ભાજપે રાહુલ ગાંધીને `જ્ઞાની બાબા'ની ઉપાધી આપી
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સંક્રમણ સંદર્ભે વડા પ્રધાનની ટીકા કરી અને કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારના વ્યવસ્થાપન અંગે શ્વેતપત્ર બહાર પાડયા બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ `જ્ઞાની બાબા' કહીને રાહુલની ઠેકડી ઉડાડી હતી. ઈરાનીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની પોતાની પાર્ટી દ્વારા શાસિત રાજ્યોમાં કોરોના સંક્રમણની ખરાબ સ્થિતિ અંગે આત્મનિરીક્ષણ કરવાને બદલે અન્યોને જ્ઞાનના મોતી વહેંચી રહ્યાં છે.
તેમણે આરોપ ર્ક્યો હતો કે કોરોનાની બીજી લહેર કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં શરૂ થઈ હતી અને તેમના દ્વારા શાસિત રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. તેમણે જોકે કોઈ રાજ્યનું નામ લીધું નહોતું. કૉંગ્રેસ શાસિત રાજ્યોએ કોરોના સંક્રમણ અટકાવવામાં કેવું પ્રદર્શન ર્ક્યું છે એ પણ તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું.
સ્મૃતિ ઈરાનીએ કૉંગ્રેસ પર વૅક્સિનેશનના વિકેન્દ્રીકરણની માગ બાબતે `યુ ટર્ન' લેવાનો અને બુમરાણ મચાવવાનો પણ આરોપ મૂક્યો હતો. જેને કારણે લોકોમાં રસી લેવામાં ખચકાટ ફેલાયો હોવાનું પણ તેમણે કહ્યું હતું. વૅક્સિનેશન સંદર્ભે કૉંગ્રેસ શાસિત રાજ્યોએ સૌથી ખરાબ પ્રદર્શન ર્ક્યું છે જ્યારે ભારતે સોમવારે 86 લાખ કરતાં વધુ લોકોને વૅક્સિન આપીને વિક્રમ ર્ક્યો હોવાનો દાવો પણ ઈરાનીએ ર્ક્યો હતો.
કેન્દ્રના કોવિડ વ્યવસ્થાપન માટેના રાહુલ ગાંધીના શ્વેતપત્ર અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપે ભારતના કોવિડ સામેના યુદ્ધનું રાજકારણ કરવાનો કૉંગ્રેસ પર આરોપ મૂક્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રાએ નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોવિડ સામેના ભારતના યુદ્ધમાં જ્યારે પણ નિર્ણાયક સમય આવે છે ત્યારે કૉંગ્રેસ એનું રાજકારણ કરવાનો પ્રયત્ન કરે છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer