ગુજરાતની ઇલેક્ટ્રિક વ્હિકલ નીતિ જાહેર

ગુજરાતની ઇલેક્ટ્રિક વ્હિકલ નીતિ જાહેર
દ્વી ચક્રીય વાહન પર રૂ. 20 હજાર સુધીની સબસિડી 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 22 : ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને વેગ મળે તે હેતુથી ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હિકલ નીતિ જાહેર કરવામાં આવી છે. આવી નીતિ જાહેર કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી હતી. નવી નીતિમાં ટુ-વ્હીલર માટે 20 હજાર અને ફોર વ્હીલર માટે દોઢ લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. મોટી સબસિડીને લીધે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વેગ આવે એવી સંભાવના વધી ગઇ છે. 
રૂપાણીએ વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. 
સરકારે આ ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા, ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને આ નીતિ ઘડી છે. 
નવી નીતિમાં ચાર બાબતો પર વિશેષ ભાર મૂકાયો છે. ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો, રાજ્યને ઇ-વ્હીકલ અને આનુષંગિક સાધન-સામગ્રીના ઉત્પાદનનું મેન્યૂફેકચરીંગ હબ બનાવવું, ઇલેક્ટ્રિક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સાથોસાથ પ્રદૂષણ ઘટાડવાનો હેતુ છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer