રાજ્યોને વધુ ઋણની છૂટનાં સારાં પરિણામ મળ્યાં

રાજ્યોને વધુ ઋણની છૂટનાં સારાં પરિણામ મળ્યાં
કોરોના કાળમાં કેન્દ્ર-રાજ્યોની ભાગીદારીથી આર્થિક સુધારાની વડા પ્રધાને બ્લૉગમાં કરી પ્રશંસા
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : કોરોના સંકટનાં કાળમાં દેશની અર્થવ્યવસ્થા વિશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું છે કે, ભારત હવે છૂટા અને અનિવાર્ય સુધારાઓથી આગળ વધીને કેન્દ્ર અને રાજ્યોની ભાગીદારીથી વિશ્વાસ અને પ્રોત્સાહક સુધારાનાં નવા મોડેલ તરફ વળી ગયું છે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત રાજ્યોને નાણાકીય વર્ષ 2020-21માં આપવામાં આવેલી વધુ કરજ લેવાની છૂટનાં સારા પરિણામો મળ્યા છે. રાજ્યોએ આર્થિક સુધારા ઉપર જોર આપ્યું છે. આનાથી રાજ્યો અતિરિક્ત સંસાધનો એકત્ર કરવામાં પણ સફળ રહ્યા છે. 
વડાપ્રધાને આગળ કહ્યું હતું કે, જ્યારે દુનિયા આખી આર્થિક સંકટમાં હતી ત્યારે ભારતીય રાજ્ય ખૂબ જ વધુ ઉધાર લેવામાં સફળ રહ્યા છે. એ જાણીને સુખદ આશ્ચર્ય થશે કે વર્ષ 2020-21માં રાજ્ય 1.06 લાખ કરોડ રૂપિયા અતિરિક્ત ઋણ લેવામાં સક્ષમ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્યોમાં ભાગીદારીનાં વલણનાં હિસાબે જ સંસાધનોની ઉપલબ્ધતામાં આ વૃદ્ધિ શક્ય બની છે. વર્ષ 2020માં રાજ્યોને તેમનાં જીડીપીનાં બે ટકા જેટલી અધિક ઉધારી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નાણું વર્ષ 2020-21માં અતિરિક્ત રૂપે લઈ જવાનું હતું. આમાંથી 1 ટકા જેટલી રકમ ત્યારે જ મેળવી શકાય તેમ હતી જ્યારે રાજ્ય અમુક ચુનંદા આર્થિક સુધારા કરે. રાજ્યોએ પ્રગતિશીલ સુધારા અપનાવ્યા હતાં.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer