વિપક્ષની બેઠકમાં રાજકીય નહીં, રાષ્ટ્રીય મુદ્દા ચર્ચાયા

વિપક્ષની બેઠકમાં રાજકીય નહીં, રાષ્ટ્રીય મુદ્દા ચર્ચાયા
ત્રીજા મોરચાની બેઠક ફ્લૉપ?
બેઠક પવારે નહીં, યશવંત સિંહાએ બોલાવી હોવાનો એનસીપીનો બચાવ
નવી દિલ્હી, તા.22: રાષ્ટ્ર મંચનાં નેજા તળે આજે રાજધાની દિલ્હીમાં એનસીપીનાં વડા શરદ પવારનાં નિવાસે મળેલી બિનકોંગ્રેસ વિપક્ષીદળોની મોટી બેઠકને હવે પછીની લોકસભા ચૂંટણી માટે ત્રીજા મોરચાનાં ગઠનની કવાયત તરીકે જોવામાં આવે છે. આશરે અઢી કલાક જેટલી લાંબી ચાલેલી આ બેઠક બાદ એનસીપીનાં સાંસદ માજીદ મેમણે જણાવ્યું હતું કે, આ બેઠક શરદ પવારે નહીં બલ્કે યશવંત સિંહાએ બોલાવેલી હતી. 
આજની આ બેઠકમાં અનેક વિપક્ષનાં પ્રતિનિધિઓ અને કેટલીક જાણીતાં મહાનુભાવો પણ હાજર રહ્યા હતાં. જો કે બેઠકમાં કોઈ કદ્દાવર નેતાની ઉપસ્થિતિ નોંધાવા પામી નહોતી. નેશતલ કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ બેઠકમાં પહોંચ્યા તો હતાં પણ થોડી જ વારમાં તેઓ નીકળી પણ ગયા હતાં. 
આજની આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસનાં નેતાં યશવંત સિંહા, સમાજવાદી પાર્ટીનાં ઘનશ્યામ તિવારી, આમ આદમી પાર્ટીનાં સુશીલ ગુપ્તા અને રાષ્ટ્રીય લોકદળનાં જયંત ચૌધરી સહિતનાં વિપક્ષી દળો અને ડાબેરી નેતા બિનય વિસ્વામ તથા નીલોત્પલ બસુ પવારનાં આવાસે એકઠાં થયા હતાં. તદુપરાંત નેશનલ કોન્ફરન્સનાં નેતા ફારુક અબ્દુલ્લા, કોંગ્રેસનાં પૂર્વ નેતા સંજય ઝા, જેડીયુનાં પૂર્વ નેતા પવન વર્મા પણ આ બેઠકમાં પહોંચ્યા હતાં. આ સીવાય બેઠકમાં સામેલ થયેલા લોકોમાં જસ્ટિસ એ.પી.શાહ, જાવેદ અખ્તર અને કે.સી.સિંહ સામેલ હતાં. 
યશવંત સિંહાએ આ બેઠક વિશે કહ્યું હતું કે, અઢી કલાક ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. નિલોત્પલ બસુનાં કહેવા અનુસાર બેઠકમાં કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવી નહોતી. માત્ર બેરોજગારી અને મોંઘવારી સહિતનાં મુદ્દાઓની ચર્ચા થઈ હતી. મજીદ મેમણે કહ્યું હતું કે, આ બેઠક ભાજપ વિરોધી મોરચો ખોલવા માટે બોલાવવામાં આવી હોવાની અટકળો થઈ રહી છે પણ આવું કશું જ નથી. બેઠક પવારે બોલાવી હોવાની વાતો પણ થાય છે પણ વાસ્તવમાં આ બેઠક રાષ્ટ્રમંચનાં સ્થાપક સદસ્ય યશવંત સિંહાએ બોલાવી હતી. 
આજની બેઠકમાં કોંગ્રેસને બાકાત રાખી દેવામાં આવ્યો હોવા અંગે મેમણે કહ્યું હતું કે, આમાં કોઈ રાજકીય ભેદભાવ રાખવામાં આવ્યો ન હતો. તેમણે પોતે જ વિવેક તનખા, મનીષ તિવારી, શત્રુઘ્ન સિંહા, અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબલ જેવા કોંગ્રેસનાં નેતાઓને નિમંત્રિત કર્યા હતાં. જો કે તેમાંથી કોઈ જ દિલ્હીમાં હાજર ન હોવાથી બેઠકમાં કોઈ આવી શક્યું નથી. 
સપાનાં નેતા ઘનશ્યામ તિવારીએ કહ્યું હતું કે, આજની બેઠકમાં યશવંત સિંહાને એક ટીમ બનાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ ટીમનું કામ દેશમાં ચાલતા મુદ્દાઓ વિશે સૂચનો કરવાનું રહેશે. કોઈપણ વ્યક્તિ, રાજકીય પક્ષનાં સદસ્ય પણ આ ટીમનો હિસ્સો બની શકે છે. રાષ્ટ્ર મંચની આવી જ રીતે વધુ એક બેઠક યોજવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ભાજપનો કટાક્ષ
એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ સ્થાને વિરોધ પક્ષોના નેતાઓની બેઠક મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે. ભાજપે કટાક્ષ કર્યો કે કેટલીક કંપનીઓ વડાપ્રધાન બનાવવાનો કાર્યક્રમ ચલાવે છે અને કમાણી કરે છે.
ભાજપના નેતા મીનાક્ષી લેખીને જ્યારે પવારની વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક અંગે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે આ પ્રકારના ઘટનાક્રમ એ દરેક નેતાઓ દ્વારા કરવામાં આવે છે જેમને જનતાએ વારંવાર નકાર્યા છે. આ કોઈ નવી વાત નથી. તે ર014 પહેલા પણ થયુ છે અને ર019 બાદ પણ. તેમણે વધુમાં કહ્યુ કે આજકાલ ચૂંટણી પાર્ટીઓના ગજાનું રહ્યુ નથી કારણ કે તે બાપ-દાદાએ છોડેલી સંપત્તિ જેવી રાજનીતિ કરે છે. કેટલીક કંપનીઓ છે જે ચૂંટણી લડવામાં મદદ કરે છે. તે સૌને વડાપ્રધાન બનાવવાનો કાર્યક્રમ ચલાવશે તો જ પૈસા કમાશે નહીં તો કયાંથી કમાશે ?
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer