ઉદ્ધવે તાતા હૉસ્પિટલને મ્હાડાના 100 ફ્લૅટ આપવાની યોજના રોકી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર વ્હાડના મ્હાડાના મકાનના સો ફ્લૅટ તાતા મેમોરિયલ હોસ્પિટલને કૅન્સરના દરદીઓના સંબંધીઓને રહેવા માટે આપવાની યોજનાને રોકી દીધી છે. એનસીપીના પ્રમુખ શરદ પવારના હસ્તે મે મહિનામાં ફ્લૅટની ચાવીઓ હોસ્પિટલના અધિકારીઓને સોંપી હતી. 
ઠાકરેએ શિવસેનાના શિવરીના વિધાનસભ્ય અજય ચૌધરીના પત્રના આધારે નિર્ણય લઈ પ્રતિબંધ મૂક્યો હતો. અજય ચૌધરીએ લખેલા પત્રમાં વિનંતી કરી હતી કે કેન્સરના દરદીઓ, અને તેમના સંબંધીઓ ખાસ કરીને કોવિડ-19 મહામારી દરમિયાન આવતા હોવાથી બે બિલ્ડિંગમાં રહેતા અન્ય રહેવાસીઓને ડર છે કે તેઓ બીમારીનો ભોગ બની શકે છે. ઠાકરેએ પત્ર પર નોંધ લખી હતી કે, પ્રિન્સિપલ સેક્રેટરી (આવાસ) કેસની તપાસ કરી અહેવાસ રજૂ કરે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે. આ અંગે પ્રતિક્રિયા આપતાં આવ્હાડે કહ્યું કે તેઓ ઘણા નિરાશ થયા છે. 
ચૌધરીએ જણાવ્યું કે, ગૃહનિર્માણ વિભાગે સુખકર્તા અને વિઘ્નહર્તા હાઉસિંગ સોસાયટીમાં 750 મહારાષ્ટ્રીયન પરિવાર રહે છે ત્યાંના સો ફ્લૅટ કેન્સરના દરદીઓને સોંપવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે જે બિલ્ડિંગમાં બીજા પરિવારો રહે છે ત્યાં ફ્લૅટ ફાળવવાને બદલે, કેન્સરના દરદીઓ અને સગાંસંબંધીઓને હોસ્પિટલ પાસે ભોઈવાડાના મ્હાડાના એક બિલ્ડિંગના તમામ સો ફ્લૅટ આપવા જોઇએ. ચૌધરીએ તેમના પત્રમાં લખ્યું હતું કે, રહેવાસીઓમાં ભયનો માહોલ છે.
19 માર્ચે મ્હાડાએ માનવતાની દૃષ્ટિએ તાતા કેન્સર હોસ્પિટલમાં સારવાર લેતા દરદીઓના સંબંધીઓને ઘર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer