રેરાના આદેશનું પાલન ન કરનાર ડેવલપરનો હાઈ કોર્ટે ઉધડો લીધો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)એ પાસ કરેલા અૉર્ડરોનું અમુક બીલ્ડરો પાલન કરતા નથી અને આવા એક બીલ્ડરનો તાજેતરમાં મુંબઈ હાઈ કોર્ટે ઉધડો લીધો હતો. આને લીધે ફ્લૅટ ખરીદદારો હવે રાહતની લાગણી અનુભવી શકે છે. 
ગયા સપ્તાહે જસ્ટિસ એસ. જે. કાથાવાલા અને જસ્ટિસ મિલિન્દ જાધવની બૅન્ચે સ્વયંભૂ આ કેસની નોંધ લઈ પુણેના ડેવલપર માર્વેલ સિગ્મા હોમ્સ અને એના ડિરેક્ટર વિશ્વજીત જાવરને કોર્ટની અવગણનાની નોટિસ ફટકારવાની સૂચના આપી હતી. ન્યાયની પ્રક્રિયામાં અવરોધ માટે તેમને આ નોટિસ અપાશે. 
ડેવલપરનો ઉધડો લેતાં બૅન્ચે કહ્યું હતું કે ડેવલપર ઈરાદાપૂર્વક આ કોર્ટના વિવિધ આદેશો અને કોર્ટમાં કરવામાં આવેલી જાહેરાતોનું પાલન કરવાનું ટાળે છે. એ ઉપરાંત ડેવલપરે કોર્ટમાં ખોટી અને અપૂર્ણ એફિડેવિટ કરી છે. 
આ ડેવલપરના પુણેમાં માર્વેલ રિબેરા નામનો એક પ્રોજેક્ટમાં રૂસ્તમ મહેતા નામની એક વ્યક્તિએ 2014માં 10.61 કરોડમાં એક ફ્લૅટ ખરીદ્યો હતો. તેમને ફ્લૅટનો કબજો ન મળતાં તેમણે મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. રુસ્તમ મહેતાને 2016માં ફ્લૅટનો કબજો કરાર પ્રમાણે મળવો જોઈતો હતો, પણ એ ન મળતાં તેમણે વ્યાજ સાથે મુદ્દલ રકમ પાછી માગી હતી. 
`મહારેરા'માં જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે ડેવલપરે એમ કહ્યું હતું કે બજારનું રૂખ બરાબર ન હોવાથી તથા આર્થિક કારણોસર હું આ પ્રોજેક્ટ પૂરો કરી શક્યો નથી. `મહારેરા'એ ડેવલપર સામે રિક્વરી વૉરંટ ઈસ્યૂ કર્યું હતું, પણ એનું પાલન ન કરાતાં હાઈ કોર્ટે પુણેના કલેકટર અને પુણે શહેરના તહેસીલદારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે બન્ને સરકારી અૉફિસરો તેમની કાયદેસર જવાબદારી અને ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે. 2018માં મહારેરાએ ડેવલપરને વ્યાજ સાથે મુદ્દલ રકમ પરત કરવાનો આદેશ આપેલો. ડેવલપર આ આદેશનું પાલન ન કરતાં રુસ્તમ મહેતા રેરાની એપિલેટ ટ્રિબ્યુનલમાં ગયા હતા. 
કલેકટર અને તહેસીદાર પાસે ડેવલપરની સંપત્તિ જપ્ત કરવાની સત્તા હોય છે, પણ બન્નએ તેમ કર્યું નહોતું. તહેસીલદારે કહ્યું હતું કે અમે ડેવલપરને બે ડિમાન્ડ નોટિસ આપી હતી, પણ એણે કોઈ જવાબ આપ્યો નહોતો. તહેસીલદારનું કહેવું છે કે અત્યારે ડેવલપરના નામે કોઈ પ્રોજેક્ટ કે પ્રૉપર્ટી ન હોવાથી રિકવરીનાં પગલાં લેવાનું મુશ્કેલ છે. હાઈ કોર્ટે એમ કહ્યું હતું કે ગયા વર્ષે જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી એમાં ડેવલપરે તો એમ કહ્યું હતું કે માર્વેલ ક્રેસ્ટ પ્રોજેક્ટ એનો પોતાનો છે. 
હાઈ કોર્ટે કહ્યું હતું કે ડેવલપર પાસેથી 6.25 કરોડ વસૂલ કરવાનો તહેસીલદારે ફેબ્રુઆરી 2021માં જે એકમાત્ર પ્રયાસ કર્યો હતો એ પૂરતો નથી. હાઈ કોર્ટે ડેવલપર તેની બાકીની સંપત્તિ વેચે નહીં કે પછી થર્ડ પાર્ટી હક્ક ઊભા ન કરે એ માટે આદેશ આપ્યો છે. હાઈ કોર્ટે ડેવલપરને ચાર સપ્તાહમાં 11 કરોડ કોર્ટમાં જમા કરવાનું પણ ફરમાન આપ્યું હતું. આ રકમ જમા થશે એ પછી જ ડેવલપર એના ખાલી ફ્લૅટો વેચી શકશે. 
હાઈ કોર્ટે નવ માર્ચના `રેરા'ની રિકવરીના આદેશને બહાલ રાખ્યો હતો અને આ ચુકાદા સામે ડેવલપરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પણ હાઈ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.
Published on: Thu, 22 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer