કોરોના વિશે માંડવિયાના ભાષણને વડા પ્રધાને વખાણ્યું

કોરોના વિશે માંડવિયાના ભાષણને વડા પ્રધાને વખાણ્યું
નવી દિલ્હી, તા. 21 : આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાં કોરોના સંબંધી આપેલા સંભાષણને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ્યું હતું અને બધાંને આ સંભાષણ સાંભળવાની અપીલ કરી હતી. મોદીએ કોરોનાના મુદ્દે કેન્દ્રના પ્રધાન હરદીપસિંહ પુરીના સંભાષણને પણ વખાણ્યું હતું અને કહ્યું હતું કે તેમના સંભાષણના કેટલાક મુદ્દા વૈશ્વિક મહામારી સામે લડવામાં ઉપયોગી થાય એવા છે. મંગળવારે માંડવિયાએ રાજ્યસભામાં કોરોનાની પરિસ્થિતિ સંભાળવામાં મોદી સરકારની કામગીરીને શ્રેષ્ઠ ગણાવી હતી અને રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણના કાર્યક્રમને વેગ આપવાના પ્રયાસોને વખાણવા સાથે જ દેશના તમામ પુખ્ત નાગરિકોનું જલદીથી વૅક્સિનેશન થઇ શકે એ માટે રસીનું ઉત્પાદન વધારાયાનું કહ્યું હતું. પુરીએ મહામારી સામેની મોદી સરકારની લડાઇને બિરદાવવા સાથે જ વિપક્ષો આરોગ્ય ક્ષેત્રે કટોકટીના મુદ્દે પણ રાજકારણ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. મોદીએ ટ્વીટ કરીને આ બંને પ્રધાનોના રાજ્યસભાનાં સંભાષણોને વખાણતાં કહ્યું હતું કે કોરોના વિશે માંડવિયાએ કરેલું સંભાષણ તેમની આ મુદ્દે સંવેદનશીલતા દર્શાવે છે. સૌએ આ સંભાષણ સાંભળવું જોઇએ.

Published on: Thu, 22 Jul 2021

© 2022 Saurashtra Trust