આજે શ્રીલંકા વિરુદ્ધ આખરી વન ડે

આજે શ્રીલંકા વિરુદ્ધ આખરી વન ડે
ભારતીય ઇલેવનમાં પ્રયોગને અવકાશ
કોલંબો, તા.22: બીજી વન ડેની લડાયક જીત બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ આવતીકાલે ત્રીજી વન ડેમાં પણ ગૃહ ટીમ શ્રીલંકાને વધુ એક હાર આપવા કોઇ કસર છોડશે નહીં. બીજી વન ડે જીતીને 2-0ની અતૂટ સરસાઇથી વન ડે શ્રેણી ગજવે કરનાર ભારતીય ટીમ આવતીકાલે રમાનાર ત્રીજા અને આખરી મેચની ઇલેવનમાં કેટલાક પ્રયોગ કરી શકે છે. બીજી તરફ શ્રીલંકાની ટીમને પ્રોત્સાહક જીત માટે પાછલી બે હાર ભૂલીને શ્રેષ્ઠ દેખાવ કરવો પડશે. મેચ શુક્રવારે ભારતીય સમય અનુસાર બપોરે 3-00 વાગ્યાથી શરૂ થશે.
કોચ રાહુલ દ્રવિડ સામે એ દુવિધા રહેશે કે ઇલેવનમાં પ્રયોગ કરવો કે કલીન સ્વીપ માટે ઇલેવન અકબંધ રાખવી ? કદાચ ઇશાન કિશનને વિશ્રામ આપીને સંજૂ સેમસનને વન ડે પદાર્પણનો મોકો મળી શકે છે. કિશને પહેલા મેચમાં શાનદાર અર્ધસદી કરી હતી. 
આ સિવાય પૃથ્વી શોના સ્થાને બીજા બે યુવા ઓપનર દેવદત્ત પડીકકલ અને ઋતુરાજ ગાયકવાડમાંથી કોઇ એકને તકની વકી છે. અનુભવી મનીષ પાંડેને લગભગ ટકાવી રાખવામાં આવશે. હાર્દિક પંડયાને ફિટનેસની સમસ્યા છે. આથી તેને વિશ્રામ મળી શકે છે. ઝડપી બોલિંગમાં નવદિપ સૈનીની તકની શકયતા છે. જો કે આ માટે દીપક ચહરનો ભોગ લેવાનો જોખમ મોંઘુ પડી શકે છે. બીજા વનડેમાં તેણે અણનમ 69 રન કરીને એકલા હાથે મેચ જીતાડયો હતો. કૃષ્ણપ્પા ગૌતમ, વરૂણ ચક્રવર્તી અને રાહુલ ચહરમાંથી કોઇ એક સ્પિનરને જો તક આપવી હશે તો કુલદિપ-ચહરની જોડી તોડવી પડશે.
બીજી તરફ શ્રીલંકાની ટીમ કલીન સ્વીપથી બચવા મેદાને પડશે. ટીમના યુવા ખેલાડીઓએ દબાણ વિના રમવું પડશે. બીજા વન ડેમાં તેમણે જીતની બાજી હારમાં પલટાવી હતી. આથી ટીમના કોચ મિકી આર્થર ઘણા નારાજ છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer