રિટેલ વેપાર જૂનમાં 50 ટકા ઘટયો

કોવિડ નિયંત્રણોથી રિટેલ બિઝનેસને માઠી અસર : આરએઆઈ
મુંબઈ, તા. 22 : દેશમાં ગત જૂન માસમાં રિટેલ સેલ્સ પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 50 ટકા ઘટયું હોવાનું રિટેલર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (આરએઆઇ)એ તેના બિઝનેસ સર્વેમાં જણાવ્યું છે. કોવિડ મહામારીની બીજી લહેરના કારણે લાદવામાં આવેલા નિયંત્રણોના કારણે આ માતબર ઘટાડો 
થયો હોવાનું આરએઆઇએ જણાવ્યું છે.
રમત-ગમતનાં સાધનોનું વેચાણ આ સમયગાળામાં સૌથી ઓછું 66 ટકા ઘટયું હતું જ્યારે ખાદ્ય અને કરિયાણાની ખરીદીમાં સૌથી ઓછો સાત ટકાનો ઘટાડો થયો હોવાનું આરએઆઇએ તેના સર્વેમાં જણાવ્યું છે.
કોવિડ નિયંત્રણો હેઠળ દુકાનો ચાલુ રાખવાના સમયમાં મર્યાદા અને શનિ અને રવિવારે દુકાનો બંધ રાખવાના નિયમના કારણે રિટેલ બિઝનેસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એમ આરએઆઇના સીઇઓ કુમાર રાજાગોપાલને એક નિવેદન દ્વારા જણાવ્યું છે.
પ્રાંત મુજબ જૂન મહિનામાં પૂર્વ ઝોનમાં રિટેલ બિઝનેસ સૌથી વધારે 55 ટકા ઘટયો હતો, તે પછી પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં 50 ટકાનો અને ઉત્તર ઝોનમાં રિટેલ બિઝનેસ 43 ટકા ઘટયો હોવાનું આરએઆઇએ તેના સર્વેમાં જણાવ્યું છે.
જોકે બ્યુટી, વેલનેસ, અને હૅલ્થકૅર ઉત્પાદનનાં વેચાણમાં મે માસમાં થયેલા 87 ટકાના ઘટાડા સામે જૂનમાં ઘટાડો બાવન ટકા નોંધાયો હતો. આ શ્રેણી હેઠળ સુધારો નોંધાયો હોવાનું આરએઆઇએ જણાવ્યું છે.
એ પ્રમાણે એપરલ અને કાપડનાં વેચાણમાં જૂન મહિનામાં બાવન ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું આરએઆઇએ જણાવ્યું છે. મે માસમાં આ ઘટાડો વાર્ષિક ધોરણે 87 ટકા હતો.
પગરખાંનું વેચાણ પણ મેની તુલનાએ સહેજ બહેતર થયું હતું પણ પાછલા વર્ષની તુલનાએ ઘટાડે જ હતું. મેમાં પગરખાંનું વેચાણ 86 ટકા ઘટયું હતું જ્યારે જૂનમાં 61 ટકા ઘટયું હતું. કન્ઝ્યુમર ડયુરેબલ્સ અને ઇલેક્ટ્રિક સામાનનું વેચાણ જૂનમાં 46 ટકા અને મેમાં 71 ટકા ઘટયું હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer