ભાજપના બાર વિધાનસભ્યોના સસ્પેન્શનને સર્વોચ્ચ અદાલતમાં પડકાર

નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર વિધાનસભ્યના પ્રીસાઇડિંગ અૉફિસર સાથે કથિતરૂપે ગેરવર્તણૂક દેખાડવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે.
ધારાશાસ્ત્રી અભિકલ્પ પ્રતાપસિંહે જણાવ્યું છે કે તેમણે ભાજપના સસ્પેન્ડ થયેલા બાર વિધાનસભ્યો વતીથી સર્વોચ્ચ અદાલતમાં અરજી નોંધાવી છે. ગત પાંચમી જુલાઈએ કરાયેલા પોતાના સસ્પેન્શનને પડકાર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગત પાંચમી જુલાઈએ વિધાનસભામાં સંસદીય બાબતોના પ્રધાન અનિલ દેશમુખે 12 સભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો અને તેને મૌખિક મતદાનથી મંજૂર કરવામાં આવ્યો હતો.
સસ્પેન્ડ થયેલા ભાજપના બાર સભ્યોમાં સંજય કુંટે, આશિષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખળકર, પરાગ અળવણી, યોગેશ સાગર, હરીશ પીમ્પળે, જયકુમાર રાવત, નારાયણ કુચે, બન્ટી ભાંગડિયા અને રામ સાતપુતેનો સમાવેશ થાય છે.
ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પ્રીસાઇડિંગ અૉફિસર ભાસ્કર જાધવના આક્ષેપો `એકપક્ષી' છે અમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી ક્વૉટા અંગે રાજ્ય સરકારનાં જુઠાણાંને ઉઘાડા પાડીએ નહીં એ ગણતરીથી વિપક્ષી સભ્યોની સંખ્યા ઓછી કરવા સસ્પેન્શન લાગુ પાડવામાં આવ્યું છે, એમ ફડણવીસે ઉમેર્યું છે.
પોતે અને શિવસેનાના કેટલાક સભ્યોએ અભદ્ર શબ્દો વાપર્યા હોવાના આક્ષેપોની તપાસ માટે અને જો ગુનેગાર પુરવાર થાય તો સજા ભોગવવા તૈયાર છે એમ ભાસ્કર જાધવે જણાવ્યું છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer