અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈએ નોંધેલી એફઆઈઆર રદ કરવાનો હાઈ કોર્ટનો ઇનકાર

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે ભ્રષ્ટાચાર અને ગેરવર્તનના આરોપ હેઠળ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈએ નોંધેલી એફઆઈઆર રદ કરવાનું નકારી દીધું હતું. 
ન્યાયાધીશો એસ.એસ. શિંદે અને જસ્ટિસ એન.એ. જમાદારની પીઠે કહ્યું કે એફઆઈઆર રદ કરવાની દેશમુખની અરજી કાઢી નાંખવા યોગ્ય છે. 
હાઈ કોર્ટના આદેશને પગલે સીબીઆઈએ કરેલી પ્રાથમિક તપાસ બાદ સેન્ટ્રલ બ્યૂરો અૉફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ દેશમુખ અને અમુક અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરવર્તનના આરોપો હેઠળ એફઆઈઆર નોંધી હતી. 
હાઈ કોર્ટે દેશમુખની ચુકાદા સામે અપીલ કરવા સમય મળે એ માટે તેમના આદેશ પર સ્ટે આપવા કરેલી અરજી પણ નકારી દીધી હતી. 
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દેશમુખ વિરુદ્ધ કરાયેલા ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો બાદ ઍડવોકેટ જયશ્રી પાટીલ દ્વારા કરાયેલી ફરિયાદની તપાસ શરૂ કરવામાં આવી છે. 
દેશમુખના વકીલ અમિત દેસાઈએ તેમના વિરુદ્ધની એફઆઈઆર રદ કરવાની અરજી કરી હતી. 
એનસીપીના નેતાએ કહ્યું હતું કે તેમના વિરુદ્ધ થઈ રહેલી સીબીઆઈની તપાસ ગેરકાયદે હતી, કારણ કેન્દ્રીય એજન્સીએ તેમના પર કેસ ચલાવવા મહારાષ્ટ્ર સરકારની પરવાનગી લીધી નહોતી. 
સીબીઆઈ વતી ઉપસ્થિત રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખી અને અનિલ સિંહે હાઈ કોર્ટને જણાવ્યું કે, કોઈની પરવાનગી લેવાની જરૂર નથી, કેમ કે ભ્રષ્ટાચાર અને દુર્વ્યવહારમાં સંડોવાયેલા હોવાથી દેશમુખ તેમના કર્તવ્યનું પાલન કરતા નહોતા. 
સીબીઆઈની એફઆઈઆરમાં જણાવાયું છે કે દેશમુખને ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન વાઝેને નોકરીમાં લેવાયો એની જાણકારી હતી, જે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક મુકવાના મામલે આરોપી છે. અને એનસીપીના નેતા મહારાષ્ટ્ર પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગમાં પણ અયોગ્ય હસ્તક્ષેપ કરતા હતા.
મુંબઈ વડી અદાલતે આજે વધુમાં જણાવ્યું હતું કે સીબીઆઈ પોલીસોની બદલી અને નિમણૂકો અંગે તપાસ કરી શકે છે. ઉપરાંત ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને તેમના સાથીઓ સાથેની સાઠગાંઠ તેમ જ ડિસમિસ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝેને પોલીસની નોકરીમાં પાછા લેવાના પ્રકરણની પણ તપાસ સીબીઆઈ કરી શકે છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer