ટેરો કાર્ડ રીડર શ્રદ્ધા સલ્લાના વર્ષ 2016ના કેસમાં જામીન મંજૂર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : સોમવારે સોશિયલાઇટ શીતલ મફતલાલની બહેન અને ટેરો કાર્ડ રીડર શ્રદ્ધા સલ્લાને એના વિરુદ્ધ માતાએ નોંધાવેલી એક ફરિયાદ મામલે મુંબઈની સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. 2016માં શ્રદ્ધા વિરુદ્ધ કથિતપણે જબરજસ્તી ઘરમાં દાખલ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી. 
સલ્લા અને મફતલાલની માતા રજનીએ આક્ષેપ કર્યો હતો કે તેમની નાની દીકરી શીતલ, સલ્લા અને અન્ય છ લોકો જબરજસ્તી ઘરમાં દાખલ થયાં અને તાળાં તોડવાની સાથે સામાનની તોડફોડ કરી હતી. રજનીએ આક્ષેપ કર્યો કે તેઓ પાંચથી છ બેગ ભરી કીમતી સામાન અને મહત્ત્વના દસ્તાવેજો લઈ ગયાં હતાં. આ ઘટના 25 એપ્રિલ 2016ના બની હતી. આ અંગે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 
ફરિયાદ નોંધાયાનાં લગભગ છ વરસ બાદ સલ્લાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સલ્લાના વકીલે દાવો કર્યો હતો કે ફરિયાદ પક્ષના આક્ષેપો નિરાધાર અને ખોટા છે. 
અરજદારને કથિત ઘટના બાદ જાણ થઈ હતી કે શીતલ મફતલાલ સતત 20 દિવસ સુધી બંગલોમાં હતી અને પોલીસ તપાસ માટે સતત બંગલોની મુલાકાતે આવતી હતી. અપરાધ સાથે અરજદારની કોઈ સાંઠગાઠ નથી એમ સલ્લાએ એની દલીલમાં જણાવ્યું હતું.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer